રાજસ્થાનમાં ભાજપ માટે ક્લિન સ્વીપની રાહ બની અઘરી, એક બેઠક પર અપક્ષ ઉમેદવારની લોકપ્રિયતાએ વધાર્યું ટેન્શન
Lok Sabha Elections 2024: રાજસ્થાનમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કરારી હાર આપનારી બીજેપી શું આ વખતે પણ તમામ બેઠકો પર જીત મેળવી શકશે? આ સવાલ હાલમાં રાજ્યના રાજકીય વર્તૂળોમાં ચારેય બાજુ સંભળાઈ રહ્યો છે. બીજી તરફ આ વચ્ચે રાજસ્થાનની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ વખતે રાજસ્થાનમાં 6 બેઠકો પર મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેવી સંભાવના છે.
કોંગ્રેસે રાજસ્થાનમાં 22 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે નાગૌર અને સીકર બેઠક ગઠબંધન હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) અને માકપા માટે છોડી દેવામાં આવી છે. પાર્ટીએ હજુ સુધી બાંસવાડા બેઠક પર ઉમેદવારની જાહેરાત નથી કરી. બીજી તરફ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ તમામ 25 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
રાજકીય સમીકરણો પ્રમાણે આ વખતે ચુરુ, કોટા-બુંદી, સીકર, નાગૌર, બાંસવાડા અને બાડમેર બેઠકો પર મુકાબલો કઠિન અથવા રસપ્રદ હોવાની આશા છે. બાડમેરમાં અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટી લોકસભા ચૂંટણીમાં ઉતરવાથી મુકાબલો રસપ્રદ બની ગયો છે. કોંગ્રેસે ચુરુ (રાહુલ કસ્વાં), કોટા-બુંદી (પ્રહલાદ ગુંજલ) અને બાડમેર (ઉમ્મેદારમ)માં બીજી પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે બાંસવાડામાં કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રજીત સિંહ માલવિયાને મેદાનમાં ઉતાર્યા છે.
પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ અને ચુરુથી બીજેપી સાંસદ રાહુલ કસ્વાં વચ્ચેના આંતરિક વિખવાદનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે કસ્વાંને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. બાદમાં કસ્વાંને સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે ચુરુથી કસ્વાંને પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે જ્યાં ભાજપે નવા ચહેરા અને પેરાલિમ્પિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝડિયા પર દાવ લગાવ્યો છે.
ઉત્તર રાજસ્થાનની ચુરુ બેઠક જાટ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને બંને પાર્ટીના ઉમેદવારો જાટ સમુદાયના છે. ચુરુ લોકસભા સીટ હેઠળ આવતા આઠ વિધાનસભા ક્ષેત્રોમાંથી પાંચ પર કોંગ્રેસના ધારાસભ્યો છે. ભાજપ પાસે બે અને બસપા પાસે એક બેઠક છે. લોકસભા ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ હોવા છતાં કોંગ્રેસે પોતાની પાર્ટીના કોઈ નેતાને ટિકીટ આપવાના બદલે બીજેપી છોડીને આવેલા કસ્વાં પર ભરોસો કર્યો. બે વખત સાંસદ રહેલા કસ્વાંની જીતમાં મોદી લહેરને પણ એક મોટું કારણ માનવામાં આવે છે. એ વાત અલગ છે કે, હવે આ વખતે કસ્વાં માટે સ્થિતિ અને પાર્ટી અલગ છે.
આવી જ રીતે કોટા-બુંદી સંસદીય બેઠક પર ભાજપના ઓમ બિરલાને ટક્કર આપવા માટે કોંગ્રેસે હાડૌતી ક્ષેત્રમાં બીજેપીના જ એક પ્રભાવશાળી નેતા પ્રહલાદ ગુંજલને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. તેમણે કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ગુંજલને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યમાં લોકસભાની કુલ 25 બેઠકો છે જેના માટે આ મહિને બે તબક્કામાં મતદાન થશે.
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે તમામ 25 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. બીજી તરફ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 24 બેઠકો જીતી હતી અને તેની સાથી આરએલપીએ એક બેઠક નાગૌર પર જીત મેળવી હતી. આ વખતે બીજેપી ફરી એકલા હાથે ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ હનુમાન બેનીવાલની આરએલપીએ નાગૌરની એ જ સીટ પર કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. કોંગ્રેસ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી જ્યારે તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં સત્તામાં હતી.