દેશમાં વસતિના આધારે લઘુમતિ જીલ્લાવાર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજ
નવી દિલ્હી તા. 4 જુન 2022,શનિવાર
બંધારણની કલમ 29 અને 30 અનુસાર લઘુમતિ હોવાના જે ફાયદાઓ મળે છે તેના માટે રાષ્ટ્રીય સ્તરના બદલે જીલ્લાવાર વસતીનો આધાર લેવો જોઈએ એવી અરજ સાથે સુપ્રીમ કોર્ટમાં એક કેસ દાખલ થયો છે.
વર્ષ 1993માં લઘુમતિ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરેલા જાહેરનામાંમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાવેશ રાષ્ટ્રીય વસતીના આધારે થયો છે જે બંધારણની કલમ 14,15,21,29 અને 30ની વિરુદ્ધ છે અને તે જાહેરનામું રદ્દ કરવું જોઈએ એવી માંગ પણ આ અરજદારે કરી છે.
દેવકીનંદન ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આ જાહેર હિતની અરજીમાં કેન્દ્ર સરકારને લઘુમતિ અંગે જાહેરનામું બહાર પાડવાની સત્તા આપતા નેશનલ કમીશન ફોર માઈનોરીટીઝ એક્ટની બંધારણીય યોગ્યતા ઉપર પણ પડકાર ફેક્તી દલીલો કરી છે.
અરજદાર પોતાની અરજીમાં જણાવે છે કે કેટલાક રાજ્યોમાં હિંદુઓની વસતી લઘુમતિમાં છે. ઉદાહરણ તરીકે લદ્દાખમાં એક ટકા, મિઝોરમમાં 2.75 ટકા, લક્ષદ્વીપમાં 2.7 ટકા, કાશ્મીરમાં 4 ટકા, નાગાલેંડમાં 8.74 ટકા, મેઘાલયમાં 11.52 ટકા, અરુણાચલમાં 29 ટકા પંજાબમાં 38.49 ટકા અને મણીપુરમાં 41.29 ટકા હિંદુઓની વસતી છે. આ રાજ્યોમાં કેન્દ્ર સરકારે હિંદુઓને લઘુમતિ જાહેર કર્યા નથી.
બીજી તરફ, કેન્દ્ર સરકારે મુસ્લિમ કે જે લઘુમતિ તરીકે જાહેર છે તેની વસતી કેટલાક રાજ્યોમાં ગણી વધારે છે. જેમકે, લક્ષદ્વીપમાં 96.58 ટકા, કાશ્મીરમાં 95 ટકા, લદ્દાખમાં 46 ટકા છે. આવી જ રીતે નાગાલેંડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતી હોવા છતાં ત્યાંના ખ્રિસ્તી સમુદાયના લોકોને લઘુમતિનો દરરજો અને ફાયદા મળે છે.
અરજદારે જણાવ્યું છે કે લઘુમતિ અંગેની ઓળખ જાહેર કરવા માટે રાષ્ટ્રીયસ્તરની વસતીના બદલે જીલ્લા સ્તરની વસતી ગણવી જોઈએ જેથી દરેક જીલ્લાના લોકોને સ્થાનિક વસતીના આધારે લઘુમતિનો દરરજો અને ફાયદા મળી શકે.
અહી નોંધવું જોઈએ કે આવી જ એક અલગ અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહી છે. અશ્વિની ઉપાધ્યાયે કરેલી આ અરજીમાં રાજ્ય સ્તરે લઘુમતિનો દરરજો આપવા માંગ કરવામાં આવી છે. માર્ચ મહિનામાં આ અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દરેક રાજ્ય સરકારને પણ પોતાની રીતે લઘુમતિ દરજ્જો આપવની સત્તા છે અને સ્થાનિક સરકાર આ સત્તાનો ઉપયોગ કરી કોઈ ચોક્કસ કોમ કે સમુદાયને લઘુમતિ તરીકેનો દરરજો અપાવી શકે છે.