45 દિવસના મહાકુંભનું સમાપન, અનેક રેકોર્ડ તૂટ્યા: આજે કર્મચારીઓનો આભાર પ્રગટ કરશે યોગી
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું બુધવારે સમાપન થયું હતું. મહાકુંભના ૪૫માં અને અંતિમ દિવસે સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડુબકી લગાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 45 દિવસના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ ૬૬.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. જ્યારે અંતિમ દિવસે આશરે 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી હતી.
13 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આ મહાકુંભનો પ્રારંભ થયો હતો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિશ્વ ઇતિહાસમાં આ અભૂતપૂર્વ અવિસ્મરણીય છે, પૂજ્ય અખાડાં, સાધુ-સંતો, મહામંડલેશ્વરોં તેમજ ધર્માચાર્યોના આશીર્વાદનું જ આ ફળ છે કે સમરસતાનો આ મહાકુંભ વિશ્વને એકતાનો સંદેશો આપી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારના આંકડા મુજબ બુધવારે અંતિમ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડુબકી લગાવી હતી. જ્યારે ૪૫ દિવસમાં કુલ ૬૬.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો છે જે ભારત અને ચીનને બાદ કરતા મોટાભાગના દેશોની વસતી કરતા પણ વધુ છે.
પ્રયાગરાજ જવા માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી, શ્રદ્ધાળુઓએ તેનો ભરપુર લાભ લીધો, છેલ્લા 40 દિવસમાં ૧૪ હજારથી વધુ ટ્રેનોની મદદ લેવામાં આવી, મહાકુંભની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ૧૩,૬૬૭ ટ્રેનો શ્રદ્ધાળુઓને લઇને પ્રયાગરાજ અને તેની આસપાસના સ્ટેશનોએ લઇને પહોંચી હતી. માત્ર પ્રયાગરાજ સ્ટેશન પર જ શ્રદ્ધાળુઓને પાંચ હજાર ટ્રેનોનો લાભ મળ્યો હતો. ૅજ્યારે આ મહાકુંભથી ઉત્તર પ્રદેશને આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાની રેવન્યૂ મળશે તેવો અંદાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગાવ્યો હતો.
જોકે નિષ્ણાતોના મતે બે લાખ કરોડથી વધુનો લાભ રાજ્ય સરકારને મળ્યો છે. રાજ્ય સરકારે આશરે સાતથી આઠ હજાર કરોડ રૂપિયા કુંભના આયોજન માટે ફાળવ્યા હતા. મૌની અમાસના શાહી સ્નાન દરમિયાન મહાકુંભમાં નાસભાગ પણ થઇ હતી જેમાં ૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે ત્રણથી ચાર વખત આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી જોકે તેમાં કોઇ જાનહાની નહોતી થઇ. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે મહાકુંભમાં આશરે ૫૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા જેમાં ૩૭ હજાર રાજ્યની પોલીસ અને ૧૪ હજાર હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ શ્રદ્ધાળુઓ, સંતો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.