ઝેરી પ્રદૂષણ નાથવા દિલ્હી સરકારનો ‘મેગાપ્લાન’ તૈયાર, અમલ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગી મંજૂરી
Delhi Air Pollution : દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ જોખમી સ્તરે પહોંચી ગઈ છે, એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 494 પર પહોંચી ગયો છે, જે 'ગંભીર પ્લસ' શ્રેણીમાં છે. તેના જવાબમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકારને કૃત્રિમ વરસાદના ઉકેલ પર વિચાર કરવા વિનંતી કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધું સંબોધીને તેમણે પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. ગોપાલ રાયે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું, "ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું છે. ધુમ્મસથી છુટકારો મેળવવા માટે કૃત્રિમ વરસાદ જ એકમાત્ર ઉપાય છે. આ એક મેડિકલ ઈમરજન્સી છે."
દિલ્હીનું પ્રદૂષણ સંકટ
સૌથી સખત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) IV પ્રતિબંધો લગાવ્યા છતા પણ દિલ્હીના કેટલાક એર મોનિટરિંગ સ્ટેશનોએ AQI સ્તર 500 સુધી પહોંચી ગયુ છે. ધુમ્મસના જાડા પડથી ઘેરાયેલું આ શહેર ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે.
ગોપાલ રાયે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ટીકા કરી હતી. તેમણે ઘણીવાર વિનંતી કરવા છતાં કૃત્રિમ વરસાદ પર કોઈ બેઠક બોલાવવા ન આવી. ગોપાલ રાયે કહ્યું કે, "વડાપ્રધાન મોદીએ તેમના પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ પર બેઠક બોલાવવા માટે કહેવું જોઈએ."
સરકારી ઉપાય
દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે. BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમ કે ટ્રક અને ડીઝલ બસો આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધોરણ 10 અને તેનાથી નીચેના બાળકો માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, અને ઓફિસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગોપાલ રાયે કહ્યું કે, હાલમાં ઘરેથી કામ કરવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને તેને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. સરકાર વાહનો માટે ઓડ-ઈવન સ્કીમ પર પણ વિચાર કરી રહી છે, પરંતુ તે અસરકારક બનવા માટે સ્વચ્છ આકાશની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Google Mapsનું પ્રદૂષણનું લેવલ બતાવતું જોરદાર ફીચર, ઘરેથી નીકળતા પહેલા આવી રીતે કરો ચેક
કૃત્રિમ વરસાદ: સંભવિત ઉકેલ
કૃત્રિમ વરસાદમાં સિલ્વર આયોડાઇડ જેવા પદાર્થો ફેલાવીને વરસાદ કરી શકાય છે. આ પ્રક્રિયાથી અડધા કલાકમાં વરસાદ પડી શકે છે. નવેમ્બર 2023 માં દિલ્હીએ AQI સ્તર ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ માટે સુપ્રીમ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
RAP હેઠળ સ્ટેજ 4 પ્રદૂષણ નિયંત્રણો હટાવવા નહીં : SC
સુપ્રીમ કોર્ટે આ માટે કેન્દ્ર પાસેથી પરવાનગી લેવાની સલાહ આપી છે. હાલમાં જ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, જો AQI 450 થી નીચે જાય તો પણ GRAP હેઠળ સ્ટેજ 4 પ્રદૂષણ નિયંત્રણો હટાવવા નહીં.