For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રફાલ સોદાની ફાઇલો ખુલી જ નથી તો સરકારને ક્લિનચિટ ક્યાંથી મળે ? : કોંગ્રેસ

રફાલ સોદામાં ભ્રષ્ટાચાર નથી થયો તેવુ સુપ્રીમે કહ્યું જ નથી, રફાલ મુદ્દે સુપ્રીમમાં જુઠ કેમ બોલ્યા, પીએસી સમક્ષ હાજર થઇને જવાબ આપો : સિબ્બલ

દુર દુર સુધી કોંગ્રેસ નહીં દેખાયના દાવા કરનારા અમિત શાહને અમે દુરબીન મોકલીશું : કોંગ્રેસનો ટોણો

Updated: Dec 15th, 2018

 Article Content Imageનવી દિલ્હી, તા. ૧૫

 સરકારે સુપ્રીમ કોર્ટમાં રફાલના ભાવ મુદ્દે જે વિવાદ થયો તે બાદ અરજી કરીને સુધારાની અપીલ કરી હતી. જેને પગલે ફરી વિપક્ષે સરકારને ઘેરી હતી અને સુપ્રીમ કોર્ટમાં જુઠ બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલે કહ્યું હતું કે રફાલ સોદાની ફાઇલોની તપાસ જ નથી થઇ આવામાં સરકારને ક્લિનચિટ મળી જ ન શકે, ક્લિચનિટ મળી ગઇ છે તેવી સરકારની વાતો બાળક જેવી લાગે છે. કેમ કે ભ્રષ્ટાચાર, ટેક્નીકલ મુદ્દાઓ વગેરેની તપાસ માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય ફોરમ નથી કેમ કે ફાઇલો ત્યાં ખોલવામાં નથી આવતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં રફાલ મુદ્દે ખોટી માહિતી આપી છે, અને તેના આધારે જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આવી સ્થિતિમાં આ જુઠ માટે સુપ્રીમ કોર્ટ નહીં પણ પુરી મોદી સરકાર જ જવાબદાર છે.

કોંગ્રેસે સાથે માગણી કરી હતી કે સંસદીય સમિતિ સમક્ષ એટર્ની જનરલને બોલાવવામાં આવે અને તેને પૂછવામાં આવે કે રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેમ જુઠુ સોગંદનામુ અને વિગતો આપી? આ એક અતી ગંભીર મામલો છે. આ મામલે સંસદમાં પણ ચર્ચા કરવામાં આવશે. એટર્ની જનરલે આવુ કેમ કર્યું? કોંગ્રેસે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યંુ કે ચૂંટણીના પરીણામો આવી ગયા છે તેથી હવે અમે અમિત શાહને દુરબીન મોકલીશું. અમિત શાહે ચૂંટણીના પરીણામો પહેલા દાવો કર્યો હતો કે કોંગ્રેસ નહીં જીતે અને દેશમાં દુરબીનથી જોશો તો પણ નહીં દેખાય. કોંગ્રેસની ત્રણ રાજ્યોમાં એક સાથે જીત બાદ હવે અમિત શાહને દુરબીન મોકલવાની જાહેરાત કબિલ સિબ્બલે કરી હતી.

તો પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે વર્તમાન નાણા પ્રધાન અરુણ જેટલીને ઘેર્યા હતા અને જણાવ્યું હતું કે અરુણ જેટલી કહે છે કે અગાઉની યુપીએ સરકાર કરતા વર્તમાન એનડીએ સરકારે વધુ સસ્તા ભાવે રફાલ વિમાન ખરીધ્યા છે. જો ખરેખર આવુ હોય તો પછી વર્તમાન સરકાર ઓછા રફાલ વિમાન કેમ ખરીદી રહી છે? કેમ ૧૨૬ને બદલે માત્ર ૩૬ જ રફાલ વિમાન ખરીદી રહ્યા છો? નોંધનીય છે કે કોંગ્રેસ આરોપો લગાવે છે કે ૫૦૦ કરોડનું રફાલ સરકાર ૧૬૦૦ કરોડમાં ખરીદી રહી છે. 

Gujarat