For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાફેલ ચુકાદામાં 'તથ્યાત્મક સુધારા' માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Updated: Dec 15th, 2018

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2018, શનિવાર

રાફેલ ડીલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મચેલા ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકાર ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સરકારે યાચિકા દાખલ કરીને રાફેલ ડીલ ઉપર આવેલા ચુકાદામાં એક તથ્યાત્મક સુધારાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાના એ પેરેગ્રાફમાં સંશોધનની માંગ કરી છે જેમાં કેગ રિપોર્ટ અને પીએસીનો સંદર્ભ આપવામાં આવ્યો છે. 

લૉ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા દાખલ કરવામાં આવી છે કે કેગ અને પીએસી સંબંધિત દસ્તાવેજો જે સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યાં હતાં એમાં કોઇક ગેરસમજ થઇ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કેગને વિમાનોની કિંમતનું વિવરણ આપવામાં આવ્યું હતું અને કેગના રિપોર્ટની પીએસીએ ચકાસણી કરી હતી. 

કેગ અને પીએસીના મુદ્દા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પેરેગ્રાફ 25માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે ફ્રાન્સ સાથે 36 રાફેલ વિમાનોના સોદામાં કોઇ અનિયમિતતા જણાઇ નથી. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાથી સાબિત થાય છે કે કેન્દ્રએ રાફેલ ફાઇટર વિમાનોની કિંમતો અંગેની માહિતી વિશે સંસદમાં ખુલાસો કર્યો નહોતો. પરંતુ કેગને એ માહિતી આપવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે હું ખુદ સંસદીય સમિતિનો સભ્ય છું, કેગની કોઇ જ રિપોર્ટ સંસદીય સમિતિને આપવામાં નથી આવી. જો સમિતિ પાસે આ રિપોર્ટ નથી, સંસદ પાસે નથી તો આ રિપોર્ટ આવી ક્યાંથી? સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો રફાલ મુદ્દે આવ્યો તેમાં જણાવવામાં આવ્યું છે કે રફાલ વિમાનના ભાવની જાણકારી સંસદીય સમીતીને આપવામાં આવી છે, હું ખુદ સંસદીય સમીતીનો ચીફ છું આવી કોઇ જ જાણકારી નથી અપાઇ.

બાદમાં રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સંસદીય સમીતી એક જ છે તો પછી આ કઇ સંસદીય સમીતીને કેગનો રિપોર્ટ સોપ્યો છે? શું મોદીની સંસદીય સમીતી અલગ છે? નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટે કહ્યું હતું કે વિમાનની કિંમતની જાણકારી કેગ દ્વારા સંસદીય સમીતીને મળી ગઇ છે. જોકે સંસદીય સમીતીના ચીફ મલ્લિકાર્જુન કહે છે કે આવી કોઇ જ રિપોર્ટ નથી અપાઇ. 

Gujarat