બનાવટી પાસપોર્ટ સાથે શારજાહ જવાનો પ્રયાસ કરવા બદલ એકની ધરપકડ
- મુંબઈ એરપોર્ટ પર છેલ્લા બે સપ્તાહમાં સાતમી ઘટના બની
- દસ્તાવેજોની તપાસ દરમિયાન પાસપોર્ટ માહિતીમાં વિસંગતા લાગતા આ ઘટના પ્રકાશમાં આવી
મુંબઈ : મુંબઈ એરપોર્ટ પરથી સહાર પોલીસે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને શારજાહ દુબઈ જવાનો પ્રયાસ કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
વિગત મુજબ, સહાર પોલીસના જણાવ્યા મુજબ, સિદ્દીકી ૭ નવેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ શારજાહની ફલાઈટમાં બેસવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. આ સમયે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ઈમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટ પર તેની નોંધાયેલી વય અને તેની દેખીતી વયમાં વિસંગતા નજરે ચઢતા, સિદ્દીકીને તેની ઉંમર વિશે પૂછવામાં આવ્યું હતું.
આ સમયે સિદ્દીકીના અસ્પષ્ટ જવાબો મળતા, તેના પાસપોર્ટની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. વધુમાં પૂછપરછ સમયે સિદ્દીકીએ સ્વીકાર્યું હતું કે, તેણે લખનૌ પાસપોર્ટ ઓફિસમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ પાસપોર્ટ મેળવ્યો હતો.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, ૨૦૧૦ અને ૨૦૧૩ની વચ્ચે સાઉદી અરેબિયામાં કામ કરતી વખતે તેનો તેના ઉપરી અધિકારી સાથે વિવાદ થયો હતો. જેના કારણે તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાદ આવી હિંસક વર્તણૂકને કારણે તેને ભારતમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો.
તેથી શારજાહ જવા માટે તેણે આ બનાવટી પાસપોર્ટ મેળવવા માટે ગ્યાસુદ્દીન નામના દલાલની મદદ લીધી હતી. સહાર પોલીસે આ મામલે સિદ્દીકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) અને પાસપોર્ટ એકટની સંબંધિત કલમ ૧૨ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
છેલ્લા બે સપ્તાહમાં બનાવટી પાસપોર્ટ સાથે પ્રવાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી હોય તેવો આ સાતમો કેસ બન્યો હતો. આ અગાઉ સાત નવેમ્બરના બનાવટી પાસપોર્ટ સાથે મહિલા ઢાકા જવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.