મહાશિવરાત્રીના તહેવારની જોગેશ્વરી ગુફા મંદિરમાં ઉજવણી
હર હર મહાદેવના નાદ ગુફામાં પડઘાયા
છઠ્ઠી સદીમાં બંધાયેલી ગુફાઓ રોશનીથી ઝગમગી ઊઠી
મુંબઈ - મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી વખતે આજ જોગેશ્વરીના સેંકડો વર્ષ પુરાણા ગુફા મંદિરમાં હર હર મહાદેવીનો નાદ પડઘાયો હતો.
પશ્ચિમ રેલવેના જોગેશ્વરી સ્ટેશનનું નામ આ જોગેશ્વરીની ગુફાઓ પરથી પડયું છે. છઠ્ઠી શતાબ્દીમાં બંધાયેલી આ ગુફાઓની ગૃહના જૂનામાં જૂની ગુફાઓ અને ગુફા મંદિરમાં થાય છે.
જોગેશ્વરી પૂર્વમાં આવેલી ગુફાઓ વચ્ચેના શિવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી વખતે શિવભક્તોના ધસારાને પહોંચી વળવા ૨૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે હતા અને ૫૦ પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતા. મંદિરમાં સવારથી રાત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.
દેવ-દેવીઓની અદ્ભુત મૂર્તિઓ
ગુફા મંદિરમાં જોગેશ્વરી માતાની મૂર્તિના દર્શન થાય છે. ગુફામાં ૨૦ સ્તંભ ઉપર ઉભેલું ભવ્ય સભાગૃહ છે. જોગેશ્વરી માતાના મંદિરની દક્ષિણ બાજુએ મારૃતી મંદિર, પશ્ચિમ બાજુએ શિવમંદિર, ઉપરના ભાગમાં દત્ત મંદિર છે. ગુફાઓમાં દ્યૂત-ક્રીડારત શિવ-પાર્વતી, નટરાજ, આયુધ-પુરુષ અને દ્વારપાળના શિલ્પો પથ્થરમાં કોતરવામાં આવ્યા છે. શિવરાત્રીમાં અને નવરાત્રીમાં દર્શનાર્થીઓની વધુમાં વધુ ભીડ જામે છે.