વાઢવણ પાસે ચોથું મુંબઈ રચાશે: 107 ગામડાંને સમાવી લેવાશે
પાલઘર જિલ્લામાં બંધાઈ રહેલા મોટામાં મોટા બંદર
ચોથા મુંબઈની હદ વાઢવણથી તલાસરી સુધીની રહેશે
મુંબઈ - પાલઘર જિલ્લામાં વાઢવણમાં બંધાઈ રહેલા દેશના મોટામાં મોટા કન્ટેનર પોર્ટ નજીક ચોથું મુંબઈ વિકસાવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ યોજના હેઠળ ૧૦૭ ગામડાંને આવરી લેવામાં આવશે અને ચોથા મુંબઈનો યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવશે.
૫૧૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચોથું મુંબઈ વિકસાવવાની યોજના માટે પ્લાનિંગ ઓથોરિટી તરીકેની જવાબદારી સોંપવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) તરફથી રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. સરકાર તરફથી એનએસઆરડીસીની પ્લાનિંગ ઓથોરિટી તરીકે નિયુક્ત થયા પછી ચોથા મુંબઈની રચનાનો માર્ગ મોકળો થશે.
મુંબઈની વસતી અને વિસ્તાર વધવાની સાથે વાહનવ્યવહાર સહિતની અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. મુંબઈ પરનો ભાર ઓછો કરવા સૌથી પહેલાં નવી મુંબઈનો વિકાસ કરવામાં આવ્યો હતો, એ બીજું મુંબઈ ગણાવ્યું ત્યાર પછી રાયગઢની આસપાસ ત્રીજું મુંબઈ વિકસાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે અને હવે વાઢવણ પાસે ચોથું મુંબઈ આકાર લેશે. ચોથા મુંબઈની હદ વાઢવણથી તલાસરી સુધીની રહેશે.
નીતી આયોગે મુંબઈ મહાનગરને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા કરવાનું લક્ષ રાખ્યું છે. આને માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આર્થિક વિકાસ કેન્દ્રો (ગ્રોથ હબ) ઊભા કરવામાં આવશે. દહાણુ તાલુકાના વાઢવણ અને કેળવામાં બે ગ્રોથ હબ ઊભા કરવા માટે રાજ્ય સરકારે આ પહેલાં જ એમએસઆરડીસીની નિમણૂંક કરી છે.
ચોથા મુંબઈના પ્રસ્તાવને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા પછી આ ક્ષેત્રના વિકાસને લગતો ડેવલપમેન્ટ પ્લાન એક વર્ષમાં તૈયાર કરવામાં આવશે.
ચોથા મુંબઈમાં શું હશે?
ચોથા મુંબઈમાં વાઢવણ બંદર પર આવતા માલના સંગ્રહ માટે વિશાળ લોજિસ્ટિક પાર્ક બંધાશે.
દેશના મોટમાં મોટા કન્ટેનર પોર્ટ તરીકે આકાર લઈ રહેલા વાઢવણમાં દેશ- વિદેશના ઉદ્યોજકો, શિપિંગ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોની અવરજવર રહેશે. એટલે તેમને માટે ફાઇવ સ્ટાર હોટેલો બાંધવામાં આવશે.
નવા મુંબઈમાં હેલિપેડ અને એરસ્ટ્રીપની જોગવાઈ કરવામાં આવશે જેથી કાર્ગો પ્લેન અવરજવર કરી શકે.
મનોરંજન માટે રિક્રિયેશન ગ્રાઉન્ડ રચાશે. આ જગ્યાએ ગોલ્ફ કોર્સ વિકસાવવામાં આવશે. વિશાળ કન્વેન્શન સેન્ટર બંધાશે.
વાઢવણ બંદરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે માલના ઝડપી અને પર્યાવરણપૂરક વહન માટે રેલવે તરફથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બાંધવામાં આવશે.