મુંબઇમાં ટાઢાબોળ પવનો : 15, ફેબ્રુઆરી બાદ ઉનાળુ અનુભવ થવાનો સંકેત
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ફક્ત ૩૫ ટકા થઇ ગયું
મહારાષ્ટ્રમાં ટાઢોડું નાશિક -૧૨.૩, મોહોલ-૧૩.૧, તુળગા-૧૩.૩, અહમદનગર-૧૩.૪, જળગાંવ-૧૪.૦, પાલઘર-૧૪.૨, મહાબળેશ્વર-૧૫.૭ ડિગ્રી
મુંબઇ - મુંબઇગરાં છેલ્લા એકાદ સપ્તાહથી ફૂલગુલાબી ઠંડીનો ફરીથી આનંદ માણી રહ્યાં છે.ખાસ કરીને છેલ્લા ત્રણેક દિવસ દરિમયાન દિવસના તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. પરિણામે દિવસે પણ ખુશનુમા માહોલ રહે છે. જ્યારે વહેલી સવારે અને રાતે પણ વાતાવરણ ઠંડું રહે છે.
સાથોસાથ મુંબઇમાં છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન ટાઢાબોળ પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. ઠંડા પવનોને કારણે દિવસનું તાપમાન પણ ઘટીને ૨૯.૦ ડિગ્રી સેલ્સિયસ રહે છે.
હવામાન વિભાગે એવો સંકેત આપ્યો છે કે મુંબઇમાં આવો ફૂલગુલાબી અને ગમતીલો માહોલ હજી આવતા બે - ત્રણ દિવસ સુધી રહેવાની શક્યતા છે. ત્યારબાદ હવામાનમાં થોડો પલટો આવવાની સંભાવના છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ----- અને લઘુત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી સેલ્સિયસ ,જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ------ અને લઘુત્તમ તાપમાન ૧૭.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગઇકાલે, ૩૧,જાન્યુઆરીએ પણ કોલાબામાં મહત્તમ તાપમાન ૨૯.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાન ૧૭.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્વનું પરિવર્તન એ રહ્યું હતું કે ગઇકાલે .૩૧.જાન્યુઆરીએ સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ફક્ત ૩૫ ટકા નોંધાયું હતું, જે ઘણું ઓછું ગણાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા કરતાં પણ ઓછું રહે તેનો અર્થ એ થાય કે આકાશ સ્વચ્છ છે.વાદળાં નહીંવત છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ મુંબઇ પર ઉત્તર-પશ્ચિમ - ઉત્તર (વાયવ્ય) દિશાના ટાઢા પવનો ફૂંકાઇ રહ્યા છે. વાયવ્યના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા હોવાથી તેની ટાઢીબોળ અસર પણ વધુ વરતાય છે. વળી, સવારે પૂર્વના પવનોનું પ્રમાણ પણ ઓછું રહે છે. આવું ટાઢોડું હજી બે -ત્રણ દિવસ રહેવાની શક્યતા છે. ત્યારબાદ આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની ટક્કર શરૃ થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.
હાલ ૨થી ૫, ફેબુ્રઆરી દરમિયાન કશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગીલગીટ -બાલ્ટિસ્તાનમાં બરફ વર્ષા થાય. સાથોસાથ ૩, ફેબુ્રઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સાયકલ પણ શરૃ થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
બીજીબાજુ ૨૦૨૫નો ફેબુ્રઆરી મહિનો શરૃ થયો હોવાથી ઋતુ પરિવર્તન પણ થશે. એટલે કે ૧૫, ફેબુ્રઆરી બાદ પવનની દિશા ઉત્તર -પશ્ચિમમાંથી બદલાશે. પરિણામે ઉનાળાની અસર પણ તબક્કાવાર અનુભવાશે. દિવસના તાપમાનમાં ક્રમશ ઃ વધારો નોંધાશે. વાતાવરણમાં ગરમી વધે એવાં કુદરતી પરિબળો સર્જાશે.
મહારાષ્ટ્રના મોટાભાગમાં પણ ટાઢબોળ માહોલ છે. આજે મહારાષ્ટ્રના નાશિકમાં લઘુત્તમ તાપમાન ૧૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મોહોલ-૧૩.૧, તુળગા-૧૩.૩, અહમદનગર-૧૩.૪, જળગાંવ-૧૪.૦, જેઉર-૧૪.૦, ઉસ્માનાબાદ-૧૪.૧, પાલઘર-૧૪.૨, માલેગાંવ-૧૪.૪,મહાબળેશ્વર-૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હોવાના સમાચાર મળે છે.