૨૪ કલાક સુધી ભૂખ હડતાળ દરમિયાન એક વિદ્યાર્થી બેભાન
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના ટીવાયનુ પરિણામ જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે શુક્રવારે સવારથી ભૂખ હડતાળ શરુ કરી દીધી હતી.
ટીવાયના પરિણામમાં વિલંબથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો સર્જાઈ ગયા છે ત્યારે પરિણામ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી એબીવીપીએ આપી હતી.
શરુઆતમાં તો સત્તાધીશોએ વિરોધનો ગણકાર્યો નહોતો પણ આખો દિવસ અને એ પછી રાત્રે પણ વિદ્યાર્થીઓ ત્યાંથી હટવા માટે તૈયાર નહીં થતાં યુનિવર્સિટી મોરચે દોડધામ મચી ગઈ હતી.કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકો, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો મધરાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા.આમ છતા વિદ્યાર્થીઓ માનવા માટે તૈયાર નહોતા.
આમ આખી રાત ગજગ્રાહ ચાલ્યો હતો.એ પછી સવારે ઋષિક મકવાણા નામનો એક વિદ્યાથી બેભાન થઈ જતા તેને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.સાથે સાથે બીજા બે વિદ્યાર્થીઓ જયદત્ત જોષી અને દેવાંશ બ્રહ્મભટ્ટની તબિયત પણ લથડી હતી.આખરે કોમર્સ ફેકલ્ટી તરફથી વિદ્યાથીઓને લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી કે, ૨ થી ૪ ઓગસ્ટની વચ્ચે ટીવાયનુ પરિણામ જાહેર કરવામાં આવશે.સાથે સાથે વાઈસ ચાન્સેલર પ્રો. શ્રીવાસ્તવે પણ વિડિયો કોલિંગથી વિદ્યાર્થીઓને પરિણામ જાહેર કરવાની ખાતરી આપી હતી.જેના પગલે એબીવીપી દ્વારા ભૂખ હડતાળ સમેટવામાં આવી હતી.