વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે સઘન ચેકિંગ : થેલીઓ જપ્ત સહિત દંડનીય કાર્યવાહી
વડોદરા,તા.20 નવેમ્બર 2023,સોમવાર
નવા વર્ષના પ્રારંભથી જ વડોદરા કોર્પોરેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે શહેરના વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ કેટલીક જગ્યાએથી જપ્ત કરી અને દંડનીય કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 22 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે મનાય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કોઠી કચેરી વિસ્તાર, સલાટ વાડા શાક માર્કેટ, ગોત્રી સેવાસી વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજીના લારી ગલ્લાવાળા સહિત ઠેક ઠેકાણે પાલિકાની ટીમ દ્વારા સગન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજી સહિત વિવિધ ચીજ વસ્તુઓ આપનારા લારી ગલ્લા પથારાવાળાઓની પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સિગલ યુઝ પ્લાસ્ટિક બાબતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક વિસ્તારમાં પાલિકાની ટીમે દંડનીય કાર્યવાહી પણ કરી હતી.