લક્ઝરી બસમાં પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા ગામ પાસે
રાજસ્થાનના બેવર ખાતેથી અમદાવાદ માટે પાર્સલ મોકલાયું હતું ઃ મોકલનાર અને મંગાવનારની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાં પાર્સલની આડમાં લઈ જવાતા વિદેશી દારૃના મોટા જથ્થાને ઝડપી લીધો હતો. પોલીસે પાર્સલ મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૃ કરી હતી.
આમ તો રાજ્યમાં દારૃબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા
પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને
કારણે રાજ્યના કોઈ પણ વિસ્તારમાં સરળતાથી વિદેશી દારૃનો જથ્થો મળી રહે છે. ખાસ
કરીને ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી વિદેશી દારૃની હેરાફેરી વધુ જોવા
મળી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે
હિંમતનગર તરફથી આવતી એક લક્ઝરી બસને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા પાર્સલમાં
પાંચ જેટલા પ્લાસ્ટિકના કન્યાનતી શીલ બંધ બોક્સ મળી આવ્યા હતા જે ખોલીને તપાસ થતાં
તેમાં વિદેશી દારૃની અલગ અલગ બોટલો મળી આવી હતી. જેથી આ પાર્સલ સંબંધે પૂછપરછ
કરવામાં આવતા તે રાજસ્થાનના બેવર ખાતે મદોડરા નામના વ્યક્તિએ પાર્સલ મોકલાવ્યું
હતું અને તે મોતિયા નામના વ્યક્તિને પહોંચાડવાનું હતું. જેનો મોબાઈલ નંબર પણ
દર્શાવ્યો હતો. જેના પગલે હાલ તો પોલીસે વિદેશી દારૃની ૮૪ જેટલી બોટલ કબજે કરીને
પાર્સલ મોકલનાર અને મંગાવનાર વ્યક્તિઓની શોધખોળ શરૃ કરી હતી.