Get The App

નમો લક્ષ્મી યોજનામાં વડોદરાની 42000 વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ મળશે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
નમો લક્ષ્મી યોજનામાં વડોદરાની 42000  વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ મળશે 1 - image

વડોદરાઃ ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના શરુ કરી છે.જેમાં ૬ લાખથી ઓછી આવક હોય તેવા પરિવારોની વિદ્યાર્થિનીઓને ધો.૯ થી ૧૨માં તબક્કાવાર કુલ મળીને ૫૦૦૦૦ રુપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે.

આ યોજના હેઠળ વડોદરા શહેર અને જિલ્લાની ૪૨૦૦૦ વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ મળશે.ડીઈઓ કચેરીના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે નમો લક્ષ્મી યોજના હેઠળ વડોદરા  શહેર અને જિલ્લાની ૫૪૨ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૫૬૦૦૦ જેટલી  વિદ્યાર્થિનીઓએ સ્કોલરશિપ માટે અરજીઓ કરી હતી અને આ પૈકી ૪૨૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓની અરજીઓ મંજૂર થઈ છે.સૂત્રોનુ કહેવુ છે કે, જે ૧૪૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓની અરજીઓ મંજૂર નથી થઈ તેની પાછળ ૬ લાખથી વધારે આવક, અપૂરતા દસ્તાવેજો જવાબદાર છે.હજી ઘણા વાલીઓને આવકના દાખલા પણ મળ્યા નથી અને તેના વગર અરજીઓ મંજૂર થઈ શકે તેમ નથી.જેના પર કાર્યવાહી ચાલુ છે.

નમો લક્ષ્મી યોજનાની સાથે સાથે સરકારે ધો.૧૧ અને ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા અને ૬ લાખથી ઓછી આવક હોય તેવા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાાન યોજના લાગુ કરી છે.આ યોજનાનો લાભ  વિદ્યાર્થિનીઓની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મળવાનો છે.યોજનાના ભાગરુપે બે વર્ષમાં વિદ્યાર્થીઓને ૨૫૦૦૦ રુપિયા સ્કોલરશિપ તરીકે આપવામાં આવશે.

વડોદરા શહેર જિલ્લામાં ૨૦૦ જેટલી સ્કૂલોમાં આ યોજના લાગુ થઈ છે.૯૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનુ આ યોજના માટે રજિસ્ટ્રેશન થયુ છે પણ તેમાંથી માત્ર ૨૨૦૦ વિદ્યાર્થીઓને જ હજી આ યોજનાનો લાભ મળ્યો છે.ડીઈઓ કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, સરકારે આ યોજના માટે કોઈ ડેડલાઈન હજી સુધી જાહેર કરી નથી એટલે વડોદરા શહેર જિલ્લામાંથી આ યોજનાનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓને મળે તે માટે સ્કૂલોને કાર્યવાહી ચાલુ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News