કણજરી ગામે બંધ મકાનનું તાળું તૂટયું, 1.96 લાખની મત્તા ચોરાઇ
- વિધવા મહિલા બહેનના ઘરે ગઇ અને તસ્કરો ત્રાટક્યા
- દાગીના, રોકડ, પાઉન્ડ સહિતની મત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ
નડિયાદ તાલુકાના કણજરી ગામે નવી પટેલવાડીની પાછળ પ્રિતીબેન ગ્રિમેશકુમાર પટેલ બે દિકરીઓ સાથે પોતાના મકાનમાં રહે છે. તેમના પતિ ૬ વર્ષ અગાઉ ગુજરી ગયા હતા.
પ્રીતિબેન પાળજ ગામે રહેતી પોતાની સગી નાની બહેનના ઘરે દિવાળી વેકેશન હોવાથી પોતાની બે દિકરીઓને લઈને પાલજ ગયા હતા.
આ દરમિયાન રાત્રિના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
મકાનમાં બેડરૂમમાં લોખંડના કબાટમાંથી તેમજ સ્ટોર રૂમની તિજોરીમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી રૂ.૧,૯૬,૦૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે મકાન ખુલ્લું જોઈ પડોશમાં રહેતા કુટુંબીજનોએ આ બાબતે પ્રિતીબેનને જાણ કરતા તેઓ તુરંત પોતાના ઘરે દોડી આવ્યા હતા. ત્યારે ઘરમાં તમામ સરસામાન વેરણછેરણ પડેલો હતો. આ બનાવ સંદર્ભે પ્રિતીબેન ગ્રીમેશકુમાર પટેલે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.