અમેરિકામાં 50 લાખ ડોલરનું રોકાણ કરો અને નાગરિક બનો !
- ટ્રમ્પની વિશ્વના શ્રીમંતોને નવી ઓફર ગોલ્ડ કાર્ડ
- 50 લાખ ડોલરના રોકાણની સામે કેટલું રોજગાર સર્જન થશે તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
- એક કરોડ લોકોને ગોલ્ડન કાર્ડ ઓફર કરીને અમેરિકાના દેવામાં ઘટાડો કરવાનો ટ્રમ્પનો દાવો
- ટ્રમ્પના ગોલ્ડ કાર્ડમાં કશું નવું નથી, વિશ્વના 100થી વધુ દેશોમાં આ પ્રકારની સ્કીમ ચાલે છે : નિષ્ણાતો
વોશિંગ્ટન : ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લીધા છે. એકબાજુએ તે અમેરિકામાં વસતા ગેરકાયદે વસાહતીઓને કાઢી રહ્યા છે તો બીજી બાજુએ અમેરિકામાં ગોલ્ડન વિઝા પ્રોગ્રામ શરુ કર્યો છે. તેમા ૫૦ લાખ ડોલરનું રોકાણ કરીને સીધી અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ ખોલી શકાશે. ટ્રમ્પનો દાવો છે કે ફેડરલ ગવર્નમેન્ટ એક કરોડ લોકોને આ ગોલ્ડન વિઝા વેચી ખાધ ઘટાડી શકે છે.
ટ્રમ્પનું કહેવું છે કે આ વિઝા કાર્યક્રમ દ્વારા મળતી રકમ અમેરિકાના દેવામાં ઘટાડો કરવામાં મદદ કરશે. આમ હવે જો તમારે પાસે રુપિયા હોય તો તમારો ટ્રમ્પ અમેરિકન નાગરિકતા મેળવવી સરળ રહેશે. ફક્ત વિઝા જ નહી તેને અમેરિકામા કારોબાર કરવા માટે દરેક પ્રકારની મદદ પણ પૂરી પાડવા માટે ટ્રમ્પ તૈયાર છે. ટ્રમ્પનો આ ગોલ્ડન વિઝા કાર્યક્રમ અગાઉ ૧૯૯૦ના ઇબી-૫ વિઝા કાર્યક્રમનું સ્થાન લેશે.અમેરિકાના ઇબી-૫ વિઝા કાર્યક્રમમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમા કુલ આઠ હજાર લોકોએ લાભ લીધો છે.
જો કે ટ્રમ્પે ઓફર કર્યો છે તેવો ગોલ્ડન વિઝા કંઈ નવી વાત નથી. એડવાઇઝરી ફર્મ હેન્લી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા મુજબ વિશ્વના ૧૦૦થી વધુ દેશો ધનવાનો માટે ગોલ્ડન વિઝા કાર્યક્રમ ધરાવે છે. તેમા અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, સ્પેન, ગ્રીસ, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇટલીનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આ ગોલ્ડન વિઝા કાર્યક્રમ હેઠળ કેટલુ રોજગાર સર્જન થશે અથવા તો આ વિઝા મેળવનારે કેટલા પ્રમાણમાં રોજગાર સર્જન કરવુંપડશે તેવો કોઈ ફોડ પાડયો નથી. આ સિવાય ઇબી-ફાઇવ વિઝા કાર્યક્રમમાં ટોચમર્યાદા હતી. આમા કોઈ ટોચમર્યાદા નથી. આ ઉપરાંત સિટિઝનશિપના માપદંડો અંગે કોંગ્રેસ નિર્ણય લે છે, જ્યારે ટ્રમ્પનું કહેવું છે કે ગોલ્ડ કાર્ડ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી.
જો કે આ સ્કીમના ટીકાકારોનું કહેવું છે કે આ સ્કીમમાં ૫૦ લાખ ડોલરનું રોકાણ કરનાર કેટલા પ્રમાણમાં રોજગાર સર્જન કરશે તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યારે અગાઉની સ્કીમમાં તો દસ લાખ ડોલર રોકનાર કમસેકમ દસ જણને રોજગારી આપશે તેમ સ્પષ્ટ જણાવાયું હતું.
ટ્રમ્પે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ વસાહતી કાર્યક્રમ કાયદેસરનો છે અને તે બે એક સપ્તાહમાં જ અમલી બનશે. તેટલું જ નહીં. રશિયાના શ્રીમંતો પણ અમેરિકામાં રોકાણ કરવા માગશે તો તેઓને પણ ગોલ્ડ કાર્ડ અપાશે. આ બધા શ્રીમંતો છે, તેઓ સફળ થઇ શકે તેમ છે. તેઓ પુષ્કળ પૈસા વાપરશે. (મૂડી રોકાણ કરશે) અને ઘણો બધો ટેક્ષ પણ આપશે, ઘણા બધા લોકોને રોજગારી આપશે. આ યોજના ઘણી જ સફળ થશે, એમ ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રમાણે કહ્યું હતું.
વાણિજ્ય સચીવ હાવર્ડ લ્યુતનિકે વધુમાં કહ્યું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ઇબી-૫ વિસાને દૂર કરી તેનું સ્થાન લેશે. આ પૂર્વે કોંગ્રેસે ૧૯૯૦માં ઇ.બી. ૫ વિસા ઘડયા હતા. તેમાં જે વિદેશી રોકાણકારો ૧૦ લાખ ડોલર જ રોકે અને ૧૦ લોકોને જ રોજગારી ચાલે તેઓને તે વીસા આપવામાં આવવાનું પ્રાવધાન હતું. પરંતુ હવે તેને બદલે ૫૦ લાખ ડોલર્સનાં રોકાણની સીમા રેખા રચાઈ છે.