ફેંકાફેંકી કરતાં ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સમાં જ ફ્રાન્સના પ્રમુખે ટોક્યા, બધાની સામે તાત્કાલિક ભૂલ સુધારી
Donald Trump Meets Emmanuel Macron: અમેરિકાની મુલાકાતે પહોંચેલા ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને એક કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટોક્યા હતા. બંને વચ્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, 'યુરોપ યુક્રેનને પૈસા ઉધાર આપી રહ્યું છે અને તેના પૈસા પાછા લઈ રહ્યું છે. જ્યારે અમેરિકાએ યુક્રેનને યુદ્ધ લડવા માટે ખરેખર પૈસા આપ્યા છે.' આ વાત પર મેક્રોને ટ્રમ્પનો હાથ પકડીને તેમને અટકાવ્યા અને તેમને ટોક્યા હતા.
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે, 'ના, ખરેખર... સાચું કહું તો, અમે આ યુદ્ધનો 60% ખર્ચ ચૂકવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમેરિકાએ લોન, ગેરંટી, ગ્રાન્ટ આપી પણ અમે પૈસા આપ્યા.'
રશિયા-યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 'મને વિશ્વાસ છે કે રશિયાના પ્રમુખ પુતિન યુક્રેનમાં યુરોપિયન શાંતિ રક્ષકોને સ્વીકારશે. આશા છે કે યુદ્ધ થોડા અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી ટૂંક સમયમાં અમેરિકા આવશે અને એક કરાર પર હસ્તાક્ષર કરશે. આનાથી યુક્રેનના મહત્ત્વપૂર્ણ ખનિજો સુધી અમેરિકાને પહોંચ મળશે, જેનો ઉપયોગ મુખ્ય તકનીકોમાં થાય છે.'
'શાંતિનો અર્થ આત્મસમર્પણ ન હોવું જોઈએ'
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને કહ્યું કે, 'આ શાંતિનો અર્થ યુક્રેનનું આત્મસમર્પણ ન હોવું જોઈએ. આનો અર્થ ગેરંટી વિના યુદ્ધવિરામ ન હોવો જોઈએ. આ શાંતિ યુક્રેનિયન સાર્વભૌમત્વને મંજૂરી આપવી જોઈએ.'