Get The App

ભલભલા ચમરબંધી સામે કદી ઝૂક્યા નહીં

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
ભલભલા ચમરબંધી સામે કદી ઝૂક્યા નહીં 1 - image


- અગ્નિથી રાખ બનેલા અખબારનું પુન:સર્જન કર્યું 

- શાંતિભાઈ શાહ   

- જિને કા ચાહિયે હરરોજ બહાના કોઈ,

મૌત તો મેરે મુકદ્દર મેં લિખી હુઈ હૈ,

જિંદગી બડે ચૈન સે હમને ગુજારી હૈ,

અબ જહાં મેં મૌત હી હમે રાસ આયી હૈ.

એકાએક મનની લીલીછમ ડાળો પર સ્મરણ પંખીઓનાં કલરવ ગૂંજી ઊઠયાં!

૨૦૦૬ની ૨૭મી ફેબ્રુઆરી અને સોમવારના દિવસે 'ગુજરાત સમાચાર'ના અધિષ્ઠાપક એવા શ્રી શાંતિભાઈ શાહે વિદાય લીધી, પરંતુ સમય જેમ વીતતો જાય છે, તેમ તેમ એમની હિંમત, સાહસ અને નિપુણતાના કેટલાય અજાણ્યા પ્રસંગો આજે નજર સામે ઊભરાય છે. ઈંટમાંથી ઇમારતનું સર્જન થાય એ રીતે એમણે એક-એક ઈંટ મૂકીને 'ગુજરાત સમાચાર'ની ભવ્ય ઇમારતનું સર્જન કર્યું. પોતાના ૮૭ વર્ષના જીવનકાળ દરમિયાન એ ભાગ્યે જ બિમાર પડયા હશે.

અરે! એમના અવસાનના એક કલાક પૂર્વે પણ એ 'ગુજરાત સમાચાર' કાર્યાલયમાં કાર્યરત હતા. એ દિવસે દરેક પત્રકારને મળ્યા. એ દિવસની છેલ્લામાં છેલ્લી ઘટનાઓ વિશે જાણકારી મેળવી ને પત્રકારોને જરૂરી સૂચના આપી. હૃદયની અણધારી તકલીફ ઊભી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ એમની રોજિંદી લાક્ષણિક ઢબે જે કોઈ પીઢ પત્રકાર એમને હોસ્પિટલમાં મળવા જાય, એને પૂછે, 'શા નવા સમાચાર છે?'

અને ધીરા અવાજે હળવેથી આસપાસના સ્વજનોને કહે કે, 'મને હોસ્પિટલમાંથી પ્રેસમાં ક્યારે લઈ જશો?' અખબાર માટેની આશિકીનાં દ્રષ્ટાંત સમું આ જીવન.

નવા વિષયોનું ખેડાણ કરવાની એમની સૂઝ, લેખકો અને સાહિત્યકારોની કોલમ દ્વારા સંસ્કારિતાનું સંવર્ધન કરવાની ખેવના, વહેલી સવારથી મોડી રાત સુધી અખબારનાં તમામ પાસાંઓને માર્ગદર્શન આપવાનો એમનો ઉત્સાહ એ આજે પણ નવી પેઢીને રાહ ચીંધનારો બની રહ્યો છે.

શ્રી શાંતિભાઈના પ્રત્યેક શ્વાસમાં 'ગુજરાત સમાચાર' ધબકાર લેતું હતું. જીવનનાં પંચાવન કરતાં પણ વધુ વર્ષો તેઓ અખબાર જગત સાથે સંકળાયેલા રહ્યા અને ૪૬ વર્ષ સુધી 'ગુજરાત સમાચાર'ના તંત્રી તરીકે એમણે સક્રિય કામગીરી બજાવી. 'ગુજરાત સમાચાર'ને ગુજરાતનું મોખરાનું અખબાર બનાવવા માટે એમણે રાત-દિવસ પુરુષાર્થ કર્યો.

ખમીરવંતા પત્રકાર તરીકે પત્રકારના સ્વમાન અને ખમીરની એમણે હંમેશાં આરાધના કરી. ગુજરાતનાં લોકઆંદોલનો વખતે પ્રજાહૃદયના જુવાળને કોઈની ય શેહશરમ રાખ્યા વિના વાચા આપી. મહાગુજરાતની ચળવળ, નવનિર્માણનું આંદોલન કે અનામત આંદોલન સમયે 'ગુજરાત સમાચાર'ની ભૂમિકા મહત્ત્વની રહી. નર્મદા યોજનાને સાકાર કરવામાં એમણે ગુજરાતની પ્રજાનો બુલંદ અવાજ રાજકીય સ્તરે પ્રગટ કર્યો.

પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને છેક અટલબિહારી બાજપેયી સુધીના રાજનેતાઓ સાથે એમને ઘરોબો હતો, પરંતુ એમણે પોતાના આગવા સ્વમાનથી કોઈ રાજપુરુષ કે રાજકીય પક્ષની વિચારધારાને ટેકો આપવાને બદલે અખબારની સ્વતંત્રતા અને વ્યવસાયની પવિત્રતા જાળવી હતી. રાજપુરુષો સાથે અત્યંત ગાઢ અને આત્મીય સંબંધો હોવા છતાં એ ક્યારેય પોતાનું અંગત કામ લઈને એમની પાસે ગયા નહોતા. એ જ રીતે વિજ્ઞાાપનની બાબતમાં પણ રાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે સંબંધ હોવા છતાં એમણે ક્યારેય કોઈની પાસે વિજ્ઞાાપન માટે માગણી કરી નહોતી. તેમજ વિજ્ઞાાપન મેળવવા માટે ક્યારેય કોઈની વિરૂદ્ધ કશું લખાણ પ્રગટ કર્યું નહીં.

'ગુજરાત સમાચાર'ને પ્રજાનો અવાજ બનાવવા માટે એમણે વખત આવ્યે એક જમાનામાં સર્વેસર્વા ગણાતા શ્રી મોરારજીભાઈ દેસાઈની નીતિ સામે અવાજ ઊઠાવ્યો હતો એટલું જ નહીં, પણ દ્વિભાષી રચના સમયે ભડકે બળતા અમદાવાદની તસ્વીરો પ્રગટ કરીને લોકોના ભભૂકેલા રોષને દર્શાવ્યો હતો.

'ગુજરાત સમાચાર'ને સળગાવી નાખવાનો પ્રયત્ન થયો, ત્યારે એમણે તદ્દન સ્વસ્થ રીતે, સમતા રાખીને એ મહાઆપત્તિનો સામનો કર્યો અને રાખમાંથી પુન:સર્જન થાય, તેમ 'ગુજરાત સમાચાર'ને અગાઉ જેવું જ જીવંત અને ધબકતું કર્યું.

એમના જીવનની પુરુષાર્થગાથા તો વર્ષો સુધી પ્રેરણાદાયી બની રહેશે. વિજ્ઞાાપનના વ્યવસાયથી એમણે ૧૯૩૮માં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો. એ સમયે તેઓ અખબારની કચેરીઓની મુલાકાતે જાય અને એના પ્રવાહોનો અભ્યાસ કરે. મુંબઈ કે કલકત્તા જાય ત્યારે માતબર ગણાતા અખબારની કચેરીમાં જઈને એની કાર્યપદ્ધતિનો અને એની અદ્યતન ટેકનોલોજીનો પરિચય કેળવતા હતા. એ વખતે રોજ આઠ વાગ્યે ઘેરથી નીકળતા અને રાત્રે બે વાગ્યે છપાયેલું અખબાર લઈને ઘેર પાછા આવતા.

આઝાદી પછીના કાળમાં સ્વતંત્રતા મેળવેલી પ્રજાની નવી રુચિને પારખવામાં અખબારોએ પીછેહઠ કરી હતી. એ સમયે 'ગુજરાત સમાચાર'ના માલિકો પાસે એક જ કલાકમાં પચાસ હજાર નકલો બહાર પાડે તેવું ઈંગ્લેન્ડથી આયાત કરેલું યંત્ર હતું, ત્યારે 'ગુજરાત સમાચાર'નો ફેલાવો માંડ બાર હજારનો હતો. આથી કેટલીયે નકલો પસ્તીમાં આપી દેવી પડતી હતી. 'ગુજરાત સમાચાર'નું ટર્નઓવર ચાર લાખનું હતું અને માથે સોળ કરોડનું દેવું હતું.

'ગુજરાત સમાચાર'નું ભવ્ય મકાન વેચીને કોંગ્રેસ ભવન શરૂ કરવાની વિચારણા થતી હતી, ત્યારે યુવાન શાંતિભાઈએ દાદાસાહેબ માવલંકરને કહ્યું કે 'ગુજરાત સમાચાર' સંભાળવાની તક આપો અને માત્ર છ મહિનાનો સમય આપો અને આ અખબારને દેવામાંથી બહાર કાઢીને કમાણી કરતું કરી દઈશ. દાદાસાહેબ માવલંકરે આ યુવાનના ઉત્સાહ અને આત્મવિશ્વાસને જોઈને એ જ ક્ષણે 'ગુજરાત સમાચાર'નું સુકાન એમને સોંપ્યું. એ જ ક્ષણથી માંડીને જીવનના અંત સુધી 'ગુજરાત સમાચાર'ને માટે શાંતિભાઈએ જીવન ગાળ્યું.

એમણે જોયું કે અખબારના પૂર્ણ વિકાસ માટે તંત્રીની ચોવીસે કલાક હાજરી જરૂરી છે, તેથી અમદાવાદના રતનપોળ હાથીખાનાના મકાનમાંથી નીકળીને 'ગુજરાત સમાચાર'માં ઉપરના માળે રહેવા આવ્યા. અડધી રાત્રે પણ કોઈ મુશ્કેલી આવતાં શાંતિભાઈને પત્રકારો કે અખબારના ફેરિયાઓ નિ:સંકોચ જગાડી શકતા. એ સમયે એમની પાસે એક જ કાર હતી, જેનો ઉપયોગ તેઓ દિવસે પોતાને માટે કરતા અને રાત્રે એ કારમાં અખબારના પાર્સલ મોકલવામાં આવતા.

શાંતિભાઈના આ અપ્રતિમ પુરુષાર્થે 'ગુજરાત સમાચાર'ને પ્રગતિના પથ પર મૂકી દીધું, પરંતુ માત્ર એટલાથી એમને સંતોષ નહોતો અને એથી એમણે અનેક લેખકોને પ્રોત્સાહન આપ્યું. કેટલાય કટારલેખકો, પત્રકારો અને તસવીરકારોના 'માળી' બન્યા. પ્રતિષ્ઠિત લેખકોની કોલમોને સ્થાન આપવાની સાથોસાથ એમણે કેટલાય નવા લેખકોને તૈયાર કર્યા.

એક સમયે બાળસાપ્તાહિક 'ઝગમગ'ની લોકપ્રિયતા અને એની પચાસ હજાર નકલોનું વેચાણ આ ક્ષેત્રમાં સીમાસ્તંભરૂપ બની રહ્યું હતું. 'ચિત્રલોક સિને સર્કલ' દ્વારા આગવા કાર્યક્રમો આપ્યા, એટલું જ નહીં, પણ સ્વયં રાજ કપૂર જેવા અભિનેતા એમ કહેતાં કે 'ગુજરાત સમાચાર' મેરા દૂસરા ઘર હૈ. આની સાથોસાથ રવિવારની પૂર્તિ અને બુધવારની 'શતદલ' પૂર્તિ શરૂ કરી, જેની પાછળ સાહિત્ય અને સંસ્કારની સામગ્રી આપવાનો આશય રાખ્યો.

માત્ર એક રૂપિયામાં એક પુસ્તક આપવાનું આયોજન કર્યું અને એ રીતે એમણે અનેક ઐતિહાસિક અને સંસ્કારપ્રેરક પુસ્તકો ગુજરાતી પ્રજાને પહોંચાડયા. સ્ત્રીઓ માટે 'શ્રી' સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. ક્રિકેટની પૂર્તિ ઉપરાંત એના 'ક્રિકેટ જંગ' નામે વિશિષ્ટ અંકોનું પ્રકાશન કર્યું. 

શાંતિભાઈની સાદાઈ પણ અનોખી. એમણે ક્યારેય કાંડા ઘડિયાળ પહેર્યું નહોતું. ઓફિસમાં ફરતી વખતે ક્વચિત્ જ ચંપલનો ઉપયોગ કરતા. ૮૦ વર્ષની ઉંમર સુધી જાતે ગાડી ચલાવતા અને લિફ્ટને બદલે પગથિયાં ચડીને ત્રણ માળ ચઢી જતા. એમનાં પત્ની વિમળાબહેનની નિર્મળતા અને ઉદાત્ત ભાવનાનો તેઓ હંમેશા આદર કરતા. જિંદગીના અંતે પણ એક નિર્મોહ ભાવ અનુભવતા હતા.

એમણે અનેક સંસ્થાઓમાં યોગદાન આપ્યું. એનિમલ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ અને પાંજરાપોળ કરી, પણ ક્યાંય પોતાનું નામ રાખ્યું નહીં. જીવનના અંતે પણ તેમણે પરિવારજનોને એમ કહ્યું હતું કે લાંબુ, સ્વસ્થ આયુષ્ય ભોગવ્યું છે. જીવનમાં અત્યંત પરિશ્રમ કર્યો છે અને સંપત્તિ પણ પ્રાપ્ત કરી છે. એ સંપત્તિનો સમાજકાજે સદ્ઉપયોગ પણ કર્યો છે અને તેથી પોતાના અવસાન બાદ કોઈ આયોજનો કે સ્મારક નહીં કરવાની સંતાનોને શીખ આપી હતી. વળી, પોતાની હાજરીમાં આવનારી પેઢીને અખબારની ધૂરા સોંપીને એમણે એમના વિશાળ અને ઉદાર હૃદયનો પરિચય કરાવ્યો હતો.

કેટલીક વ્યક્તિની વિશેષતા અને મહત્તા એમની વિદાય પછી જ સ્વજનો, સમાજ અને સહુને સમજાય છે. આજે એમની પુણ્યતિથિએ ય એ કેટલા બધા જીવંત, પથદર્શન અને પ્રેમાળ લાગે છે!

પ્રસંગકથા

સત્તા બની સંપત્તિનું સાધન

સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે ભારતના નાયબ વડાપ્રધાન હતા. એકવાર એમને ત્યાં મહાવીર ત્યાગી અને સુશીલાબેન નય્યર જેવા દેશસેવકો એમને મળવા ગયાં. વાતાવરણમાં હળવાશ હતી. મહાવીર ત્યાગીએ સરદારનાં પુત્રી મણિબેનની મજાક કરતાં કહ્યું, 'અરે મણિબેન! આવી થીગડાંવાળી સાડી પહેરો છો તમે, અને શરમથી ઝૂકી જવું પડે છે અમારે!'

મણિબેને કહ્યું, 'અરે! એમાં શરમ શાની? મને તો કશી શરમ આવતી નથી.'

મહાવીર ત્યાગીએ કહ્યું, 'અરે, તમે કોના દીકરી? તમારા પિતાએ કેવું અખંડ ભારત સર્જી દીધું? આટલું મોટું ભારત તો રામ કે કૃષ્ણના સમયમાં પણ નહોતું. અશોક, અકબર કે અંગ્રેજોનું પણ નહોતું. આવું અખંડ ભારત સર્જનારની દીકરી થીગડાંવાળી સાડી પહેરે તે કેવું કહેવાય? અમને તો આ જોઈને જ શરમ આવે છે.'

'શરમ એને હોય કે જે જૂઠ્ઠું બોલે કે બેઈમાની કરે. મને શેની શરમ?'

'આવો વેશ પહેરીને અમારા ગામમાંથી નીકળો તો લોકો માગણ સમજીને આનો-બે આના જરૂર આપે.'

સરદારે કહ્યું, 'એ તો બહુ સારું. એ રીતે તો ઘણા રૂપિયા એકઠા થઈ શકે.'

ડો. સુશીલાબેન નય્યર બચાવ કરતાં બોલ્યા, 'અરે, આ મણિબેન તો કેટલું બધું કામ કરે છે! રોજ નિયમિત રેંટિયો કાંતે છે. એમાંથી સરદાર સાહેબનાં ધોતીયાં-પહેરણ બને છે. સરદાર સાહેબનાં ફાટેલા કપડાંમાંથી મણિબેન પાછાં પોતાનાં કપડાં બનાવી લે છે. ત્યાગીજી, તમારી માફક ખાદીભંડારમાંથી કપડાં ખરીદતા નથી.'

સરદારે હસતાં હસતાં કહ્યું, 'આ તો બિચારી ગરીબ માણસની દીકરી છે. એનો બાપ ક્યાં કંઈ કમાય છે?'

આમ કહીને સરદારે વીસ વર્ષ જૂનું ચશ્માંનું ખોખું બતાવ્યું. ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુ દોરો બાંધ્યો હતો અને ત્રીસ વર્ષ જૂની ઘડિયાળ પણ બતાવી.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશનાં નેતાઓમાંથી સરદાર જેવી સાદાઈએ દેશવટો લીધો છે. મોટેભાગે સત્તા એ જ સંપત્તિનું માધ્યમ બની ગઈ છે. નેતાઓ પોતાને પ્રજાના સેવક ગણાવે છે, પરંતુ આ સેવકોની સમૃદ્ધિમાં રાત્રે ન થાય એટલો દિવસે અને દિવસે ન થાય એટલો રાત્રે વધારો થતો જાય છે. દેખાદેખીને કારણે સમાજમાંથી પણ સાદગીએ વિદાય લીધી છે. ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં લખલૂટ ખર્ચો કરવામાં આવે છે અને સૌથી વધુ ખર્ચ કરનાર માન-પાન પામે છે.

આશ્ચર્ય એ વાતનું છે કે ગાંધીજી, સરદાર કે લાલબહાદુર શાસ્ત્રીની સાદાઈને દેશ કેટલો જલ્દીથી વિસરી ગયો અને ગાંધીયુગની આ ભાવનાઓ દેશમાંથી કેટલી જલદી આથમી ગઈ! ભવ્ય આયોજનો હવે ભવ્યાતિભવ્ય બન્યાં છે. એની ઘેલછા હવે છેક પાગલપનની હદ સુધી પહોંચી છે!


Google NewsGoogle News