પોલીસને બાતમી કેમ આપે છે? કહેતા થયેલા ઝઘડા બાદ યુવાનની હત્યાના પ્રયાસમાં એક ઝબ્બે
લીંબાયતમાં પાંચ મહિના પહેલા પોલીસને બાતમી કેમ આપે છે તે મામલે બે માથાભારે જૂથ વચ્ચે સામસામી મારામારી થતા બે ને ઈજા થઈ હતી
માથાભારે રાજા ગોલ્ડન, તેના ભાઈ સહિત ચાર વ્યકિતએ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો
- લીંબાયતમાં પાંચ મહિના પહેલા પોલીસને બાતમી કેમ આપે છે તે મામલે બે માથાભારે જૂથ વચ્ચે સામસામી મારામારી થતા બે ને ઈજા થઈ હતી
- માથાભારે રાજા ગોલ્ડન, તેના ભાઈ સહિત ચાર વ્યકિતએ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો
સુરત, : સુરતના લીંબાયતમાં પાંચ મહિના પહેલા પોલીસને બાતમી કેમ આપે છે તે મામલે બે માથાભારે જૂથ વચ્ચે સામસામી મારામારી થતા બે ને ઈજા થઈ હતી.આ બનાવમાં યુવાનની હત્યાના પ્રયાસના બનાવમાં એકની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત મીઠીખાડી ઇન્દિરા વસાહત ખાતે રહેતો 19 વર્ષીય ઈસ્તીયાક અક્તર અંસારી ગત 25 જુનની રાત્રે લીંબાયત મીઠીખાડી ત્રીસનલ જીવેશ્વર મહાદેવ મંદિર પાસે મિત્રો રાજા ગોલ્ડન અને તેના ભાઈ મોના ગોલ્ડનની રાહ જોતો હતો ત્યારે વસીમ ગાવઠી, ઈમરાન મામુ, કલીમ શાહ આવ્યા હતા અને તું પોલીસ કો બાતમી કયું દેતા હૈ કહી ગાળો આપી ઢીક્કમુક્કીનો માર મારી છાતી તથા પીઠના ભાગે ચપ્પુ મારી તેમજ માથાના ભાગે લાકડાનો ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયો હતો.આ તરફ તેને માર મારતા મિત્ર રાજા ગોલ્ડન, તેનો ભાઈ મોના, રાજાનો બનેવી મતીન અને ફારૂખ શાહે વસીમ પાસે જઈ તુને હમારે આદમીકો ક્યુ મારા આજ તુજે છોડેંગે નહિ કહીને ચારેયે ચપ્પા વડે વસીમને પેટના ભાગે, છાતીના ભાગે તથા ડાબા કાનના ભાગે ઘા મારતા ફેફસામાં કાણા પડી ગયા હતા અને કાન કપાઈ ગયો હતો.તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરાયો હતો.
બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે વસીમના ભાઈની ફરિયાદના આધારે રાજા ગોલ્ડન અને અન્યો વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો જયારે ઇસ્તીયાકની ફરિયાદના આધારે મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાયત પોલીસે હત્યાના પ્રયાસના બનાવમાં ગતરોજ ડ્રાઇવીંગનું કામ કરતા ફારૂખ ઇસાક શાહ ( ઉ.વ.31, રહે.રૂમ નં.412, ગલી નં.10, આઝાદ ચોક, બેઠી કોલોની પાસે, મીઠીખાડી, લીંબાયત, સુરત. મુળ રહે.શીવાજીનગર, દાલમિલ પાસે, જી.જલગાંવ, મહારાષ્ટ્ર ) ની ધરપકડ કરી હતી.