મ્યુનિ.તંત્રને થતુ નુકસાન અટકાવવા AMC ના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા SOP મુજબનો અમલ કરાશે

વિભાગ તરફથી વિલંબથી કરાતી કાર્યવાહીને કારણે અમુક કેસના નિર્ણય તંત્રની વિરુધ્ધમાં આવે છે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News

     મ્યુનિ.તંત્રને થતુ નુકસાન અટકાવવા AMC ના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા SOP  મુજબનો અમલ કરાશે 1 - image

  અમદાવાદ,શનિવાર,28 સપ્ટેમ્બર, 2024

અમદાવાદ મ્યુનિ.તંત્ર તરફથી બહાર પાડવામાં આવતા ટેન્ડર અને કરારમાં  કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા અંગેની મ્યુનિ.કમિશનરે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરી છે.જેને લીગલ કમિટી દ્વારા મંજુર કરાયા બાદ અમલ શરુ કરાશે.વિવિધ વિભાગો તરફથી નિયમ મુજબ કરવાની કાર્યવાહી વિલંબથી કરાતી હોવાથી કેટલાક કેસ આર્બીટ્રેશનમાં જતા હોવાથીતંત્રને આર્થિક નુકસાન થવાની સાથે અમુક ચુકાદા કે નિર્ણય વિરુધ્ધમાં પણ આવતા હોય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ પ્રકારની કામગીરી કરાવવા ટેન્ડર કે કરાર કરવામાં આવે છે.કેટલાક કેસોમાં કોન્ટ્રાકટર તરફથી કામગીરી નહીં કરવાથી લઈ અન્ય કારણોસર મ્યુનિ.તંત્ર તરફથી તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.મ્યુનિ.ના અલગ અલગ વિભાગો અલગ અલગ પધ્ધતિથી કામ કરતા હોય છે. આ પરિસ્થિતિના કારણે કેટલાક કેસોમાં કોન્ટ્રાકટરો સામે મ્યુનિ.તંત્રે કરેલી કાર્યવાહી સામે કોન્ટ્રાકટર આર્બીટ્રેશન સુધી જતા હોય છે. આર્બીટ્રેશન સુધી જતા કેસો પૈકી કેટલાક કેસો ઘણાં લાંબા સમય સુધી ચાલે છે.ઉપરાંત નિર્ણય મ્યુનિ.તંત્રની વિરુધ્ધમાં આવતા હોવાથી તંત્ર ઉપર ખર્ચનો બોજો વધે છે. આ પરિસ્થિતિને ટાળવા મ્યુનિ.કમિશનરે ૨૪ સપ્ટેમ્બરે વિસ્તૃત એસ.ઓ.પી.તૈયાર કરી છે.જેને લીગલ કમિટી મંજુરી આપશે.

આર્બીટ્રેશન કેવી રીતે કામ કરે છે?

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્ટાન્ડર્ડ જોગવાઈ મુજબ, કોઈપણ ટેન્ડર કે કરારમાં વિવાદ થાય તો કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ સરકાર તરફે બધા નિર્ણય ના આવે એ માટે કોન્ટ્રાકટર તરફથી એક તથા સરકાર તરફથી એક આર્બીટ્રેટરની નિમણૂંક કરાય છે.આ બંને ત્રીજા આર્બીટ્રેટરની નિમણૂંક કરી પેનલ બનાવવામાં આવે છે.વિવાદીત કેસોમાં આર્બીટ્રેટર તરફથી આપવામાં આવતા ચૂકાદા કે નિર્ણયને કોન્ટ્રાકટર કે સરકારપક્ષે માન્ય રાખવો પડતો હોય છે.


Google NewsGoogle News