Get The App

વન તંત્રની ટીમને ધમકી આપી ખનીજ ચોરીમાં કબજે કરાયેલું ડમ્પર લઇ ૩ આરોપીઓ નાસી ગયા

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
વન તંત્રની ટીમને ધમકી આપી ખનીજ ચોરીમાં કબજે કરાયેલું ડમ્પર લઇ ૩ આરોપીઓ નાસી ગયા 1 - image


વાંકાનેરના લુણસર ગામના જંગલ વિસ્તારમાં ખનીજ ચોરી કરતું વાહન અટકાવતા ફરજમાં રૂકાવટ

મોરબી, : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બની ગયા છે. છાશવારે ખનીજ ચોરીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં વાંકાનેરના લુણસર ગામે વન સંરક્ષક ટીમે ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લેતા વાહન માલિકે આવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી ડમ્પર લઈને નાસી ગયો હતો. જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

વાંકાનેર વીડી જાંબુડિયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી લુણસર બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી તેમજ નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વનસંરક્ષક પ્રતિક નરોડીયા અને રાહુલ વાંક પરિક્ષેત્ર વન અધિકારી રામપરા સેન્ચુરી રેંજ વાંકાનેર સાથે જાંબુડિયા હેડ ક્વાર્ટરથી સરકારી વાહનમાં ધોળા કુવા વિસ્તારમાં બનાવેલ પથ્થર દિવાલનું મોનીટરીંગ કરવા ગયા હતા. ત્યારે  ચિરાગ અમીને દીવાલ બાજુમાં એક્ષેવેટર દ્વારા ડમ્પરમાં ગેરકાયદે ખનન કરી માટી ભરતા હોવાનું જોઈ લીધું હતું જેથી રાહુલ વાંકને વાહનોના ફોટો અને વિડીયો લઈને ખાણ ખનીજ વિભાગ આવે. ત્યાં સુધી રોકી રાખવા સુચના આપી હતી.

જેથી ફરિયાદી મુકેશ સોલંકી અને રાહુલ વાંક બંને વાહનોના ફોટો અને શૂટિંગ કરતા હતા. ત્યારે એક્ષેવેટર ડ્રાઈવર અને આઇવા ડમ્પર ડ્રાઈવર જતા રહ્યા હતા થોડીવાર બાદ વાહન માલિક રમેશ જાલાભાઈ ગમારા (રહે. ધોળાકુવા લુણસર) સ્થળ પર આવીને વાહનો જવા દેવા બાબતે આજીજી કરવા લાગ્યા હતા. પરંતુ છોડવાની ના પાડી હતી. જેથી રમેશભાઈ ગુસ્સે થઈને ધમકી આપી જતા રહ્યા હતા. 

બાદમાં બે ઈસમો આવ્યા હતા અને બાઈક દુર ઉભું રાખી તે પૈકી એક ઇસમ નજર ચૂકવી ડમ્પરમાં બેસીને ડમ્પર ચાલુ કરતા ડમ્પર ના લઇ જવા જણાવ્યું હતું. છતાં ડમ્પર પુરઝડપે ચલાવી જાનહાની પહોંચે તે રીતે ચલાવી ફરજની કામગીરી અટકાવવા અને ધમકીરૂપે વનકર્મીઓ તરફ આવતા સાઈડમાં ખસી ગયા હતા. અને ડમ્પર લઈને અજાણ્યો ઇસમ નાસી ગયો હતો. બીજી વ્યક્તિ એક્ષેવેટર લઇ જવા આવ્યો હતો. પરંતુ તેને લઇ જવા દીધું ના હતું. જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા, આઇવા ડમ્પરનો ચાલક અને બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે   



Google NewsGoogle News