Get The App

TDS અને TCSમાં ગોટાળા કરનારાઓ પર ત્રાટકવા દેશનું આવકવેરા ખાતું તૈયાર

સીબીડીટીના વિશ્લેષકોની ટીમે મોટી ગરબડ કરનારાની યાદી બનાવી

TDS અને TCSમાં ગોટાળા કરનારાઓ પર ત્રાટકવા દેશનું આવકવેરા ખાતું તૈયાર

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
TDS અને TCSમાં ગોટાળા કરનારાઓ પર ત્રાટકવા દેશનું આવકવેરા ખાતું તૈયાર 1 - image



ટીડીએસ કે ટીસીએસ કર્યા પછી સરકારમાં જમા ન કરાવ્યા હોવાના સંખ્યાબંધ કેસો સેન્ટ્રલ બોર્ડ ઓપર ડાયરેક્ટ ટેક્સિસના ધ્યાનમાં આવ્યા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર

ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ કે પછી ટેક્સ કલેક્શન એટ સોર્સ-ટીસીએસ કરીને તે જમા ન કરાવનારાઓ કે પછી ટીડીએસના રિટર્નમાં ખોટી વિગતો ભરનારાઓ પર ત્રાટકવાનું આવકવેરા ખાતું આયોજન કરી રહ્યું છે. ટીડીએસ કર્યાનો અને ટીસીએસ કર્યાનો આખો રેકોર્ડ સીબીડીટી પાસે આવી ગયો છે. આ પ્રકારના અંદાજે પચાસ હજાર કરદાતાઓને શોર્ટ લિસ્ટ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંથી મોટા ભાગના લોકોએ ટીડીએસ-કરકપાત કર્યા પછી સરકારમાં નાણાં પણ જમા કરાવ્યા નથી.

આવકવેરા ધારા ૧૯૬૧ની કલમ ૪૦(એ) (આઈએ)માં કોઈ પાર્ટી પેમેન્ટ કરીને તેમાં ટીડીએસ કરી લે અને સરકારમાં ટીડીએસની તે રકમ જમા ન કરાવે તો તેવા સંજોગોમાં તેને ચૂકવણાની તે રકમ ખર્ચ તરીકે બાદ જ મળતી નથી. તે ખર્ચ ડિસએલાવ કરી દેવામાં આવે છે. છતાંય તેમણે આ નાણાં જમા ન કરાવ્યા હોવાનું સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે. પરિણામે સીબીડીટીએ તેમના પર ત્રાટકવાની તૈયારી કરી લઈને તેનો અમલ કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા કચેરીમાં ડેટાનું વિશ્લેષણ કરતી ટીમના અધિકારીઓએ ટીડીએસ-ટીસીએસમાં ગોટાળા કરનારાઓની યાદી તૈયાર કરી લીધી છે. આ પ્રકારની ગરબડ છાશવારે કરનારાઓને પહેલા ઝપટમાં લેવામાં આવશે.

ટીડીએસ-ટીસીએસ કર્યા પછી તેમાં વારંવાર ફેરફાર પણ કરતાં હોવાનું જોવા મળે છે. ટીડીએસ કર્યા પછી તેની રકમમાં ફેરફાર કર્યા કરે છે. બિઝનેસમેન ખર્ચાઓ વધુ બતાવવા માટે પણ કમિશન આપ્યાની જુદી જુદી એન્ટ્રીઓ બતાવ્યા કરે છે. કોઈ કંપની ટીડીએસના રિટર્નમાં એક વ્યક્તિને કન્સલ્ટેશન ચાર્જ પેટે આપવાનું કામ કરે છે. તેના પર દસ ટકા ટીડીએસ કર્યા પછી તેમને લાગે કે આ તો ઓછી રકમ દર્શાવી છે. તેને વધુ રૃ. ૨૫૦૦૦ ચૂકવ્યાનું બતાવીને બીજો દસ ટકાનો ટીડીએસ કરીને તે બતાવી દે છે.

ગુ્રપ કંપનીઓમાં માંદી કે લાસ મેકિંગ કંપની હોય તો તેમની નફો કરતી કંપનીમાં કમિશન કે અન્ય કોઈ રકમ પેટે રૃ.૨૫-૫૦ લાખ ચૂકવી દે છે. તેના પર ટીડીએસ કરી લે છે. આ પ્રકારના કિસ્સાઓમાં તેઓ કમિશનની રકમમાં પણ ફેરફાર કર્યા કરે છે. તેથી ટીડીએસની રકમ પણ વધઘટ થયા કરે છે. કેટલાક લોકો ટીડીએસ કે ટીસીએસ કરીને ચોપડે હિસાબમાં પણ નથી લેતા નથી. જેના ચૂકવણામાંથી ટીડીએસ કે ટીસીએસ કરવામાં આવ્યો હોય તેમને તે જમા કરાવ્યાની રિસિપ્ટ પણ આપતા નથી. આ રીતે પેમેન્ટમાંથી દસ ટકા રકમ કાપી લે છે. આમ તેના ચૂકવણાની રકમ ઓછી થઈ જાય છે.

ટીડીએસ અને ટીસીએસ કરીને પછી હિસાબમાં બતાવતા જ ન હોવાના પણ કિસ્સા બની રહ્યા છે. તેને લગતી ફરિયાદો પણ આવકવેરા ખાતામાં પહોંચેલી છે. આવકવેરાના નિષ્ણાત પ્રમોદ પોપટનું કહેવું છે કે આ પ્રકારના કરદાતાઓ તેમના ત્રિમાસિક ટીસીએસ અને ટીડીએસ રિટર્નમાં તે દર્શાવતા જ નથી. આ પ્રકારની ફરિયાદ મળી હોય તેવા કિસ્સાઓમાં પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સંબંધિત કરદાતાઓ સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. ટીડીએસ અને ટીસીએસનું રિટર્ન ફાઈલ થયા પછી ૨૬-એએસમાં તે રિફ્લેક્ટ થાય છે. ૨૬એએસમાં ન દેખાય ત્યાં સુધી તેનું રિફંડ પણ મળતું નથી. પરિણામે રકમ મોટી હોય તો તેવા સંજોગોમાં કરદાતાઓ તેમના વિરુદ્ધ આવકવેરા ખાતમાં ફરિયાદ કરતાં હોવાનું પણ જોવા મળે છે.


Google NewsGoogle News