વડોદરા: કર્મચારી લડત સમિતિ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કર્મચારી શિક્ષક અધિકારી લડત સમિતી દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ હેતુ કલેકટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય કર્મચારી-શિક્ષક-અધિકારી લડત સમિતી દ્વારા કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામાયું છે. પડતર પ્રશ્નો ઉકેલવા ગુજરાત રાજ્ય કર્મચારી- શિક્ષક- અધિકારી લડત સમિતી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહાસંઘોના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે ઓકટોમ્બર મહિના દરમિયાન સુત્રોચ્ચાર સહનો કાર્યક્રમ આપ્યો હતો. તેમજ હવે પછીના આગામી કાર્યક્રમોને સફળ બનાવવા લડત સમિતીના નેજા હેઠળ આજરોજ કુબેર ભવન સ્થિત કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં મહામંત્રી દિનેશ દેવમુરારીની આગેવાનીમાં કર્મચારી-શિક્ષક-અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.