Get The App

વડોદરામાં કોમર્સ ફેકલ્ટીની પરીક્ષામાં અધ્યાપક પર પાંચ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ખેંચી લેવાનો આક્ષેપ, ડીન ઓફિસમાં હોબાળો

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
વડોદરામાં કોમર્સ ફેકલ્ટીની પરીક્ષામાં અધ્યાપક પર પાંચ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ખેંચી લેવાનો આક્ષેપ, ડીન ઓફિસમાં હોબાળો 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી ટીવાયબીકોમની ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહેલા મહિલા અધ્યાપકે પાંચ વિદ્યાર્થીઓની ઉત્તરવહી ખેંચી લીધી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

પૂર્વ એફઆર અને બીજા વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆત કરી હતી કે, આજે એમકોમ બિલ્ડિંગ પર ચાર વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે એક મહિલા અધ્યાપકે પરીક્ષાની પંદર મિનિટ બાકી હોવા છતા ગેરરીતિનો ખોટો આરોપ મૂકીને તેમની ઉત્તરવહીઓ ખેંચી લીધી હતી. આ પૈકીના એક વિદ્યાર્થી માટે અધ્યાપકે જાતિ વિષયક ઉચ્ચારણો પણ કર્યા હતા અને આ વિદ્યાર્થીને કહ્યું હતું કે, તારે તો નીચે બેસીને પરીક્ષા આપવી જોઈએ. આ અધ્યાપકે અગાઉ પણ બીજા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું છે.

એક વિદ્યાર્થિનીને ડિસેમ્બર મહિનામાં એટીકેટી આપીશ તેવી ધમકી આપી હતી. વિદ્યાર્થિની માનસિક રીતે પડી ભાંગી હતી અને તેણે આત્મહત્યા કરવાનું મન થાય છે તેવી પણ વાત કરી હતી. અમારી માગ છે કે, અધ્યાપકને સસ્પેન્ડ કરવામાં આવે અને જે પાંચ વિદ્યાર્થિનીઓની ઉત્તરવહીઓ લઈ લેવાઈ છે તેમની ફરી પરીક્ષા લેવામાં આવે.

દરમિયાન ફેકલ્ટી ડીન પ્રો.જે.કે.પંડયાએ કહ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી છે અને હવે અધ્યાપકની પણ રજૂઆત સાંભળીશું. ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને નુકસાન ના થાય તે પ્રકારે નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે.


Google NewsGoogle News