Get The App

રાણા સમાજની ગોલવાડની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
રાણા સમાજની ગોલવાડની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને  નવજીવન મળ્યું 1 - image


- મીનાક્ષીબેન અનિલકુમાર રાણાની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન : લિવર મહેસાણાના રહીશને ટ્રાન્સપ્લાન્ટ થયુ

 સુરત:

સુરતના કોટ વિસ્તાર ગોલવાડ ખાતે રહેતા રાણા સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી છે.

ગોલવાડના નવાપુર ખાતે રાવલીયાના ટેકરા પર આવેલા તીરંગા એપાર્ટમેન્ટમાં રહેતા અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલા 42 વર્ષીય અનિલકુમાર સુંદરલાલ રાણા તેમની પત્ની મીનાક્ષીબેન (ઉં.વ-41) સાથે ગત તા. 9 મીએ સવારે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા જવા નીકળ્યા હતા. તે સમયે બારડોલી હાઇવે પર કપડાની દુકાનની સામે સવારે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી.  જેમાં મીનાક્ષીબેનને ગંભીર ઈજા થતા તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાથી વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.  બુધવારે ત્યાંના ડોક્ટરે મીનાક્ષીબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. બાદમાં ત્યાંથી જાણ કરતા  ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

દાનમાં મળેલી બંને કિડની જરૃરિયાતમંદ વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તથા લિવરનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મહેસાણાના રહેતા 41 વર્ષીય વ્યક્તિમાં  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું  છે.  જ્યારે ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. મીનાક્ષીબેનને સંતાનમાં 15 વર્ષીય પુત્રી અસ્મિતા બાલાજી ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 10 માં અને 13 વર્ષીય પુત્ર ક્રિષ્ણા ગોપીપુરાની ટી.એન્ડ ટી.વી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે.

 


Google NewsGoogle News