વડોદરામાં બે દિવસથી બેવડી ઋતુના કારણે ખાંસી-શરદીના દર્દીઓ વધ્યા
image : Social media
Vadodara : ઠંડીની મોસમમાં વડોદરા ખાતે બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યા બાદ હવે 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પારો રહેતા સામાન્ય ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે. પરંતુ બપોરના સમયે ગરમી અને સાંજે પુનઃ ઠંડીનો અનુભવ લોકોને થાય છે.
ઉલ્લેખનીય છે કે શિયાળાની મોસમમાં ગયા અઠવાડિયા દરમિયાન લઘુતમ તાપમાનનો પારો સૌથી ઓછો 13.6 ડિગ્રી સેલ્સિયસ આસપાસ બે દિવસ રહ્યો હતો ત્યારે એવો અહેસાસ થતો હતો કે હવે ઠંડીની ખરી મોસમનો અહેસાસ થશે. પરંતુ આવી કોઈ નોબત આવી નથી અને બે દિવસ બાદ ફરી એકવાર લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ પહોંચી જતા ઠંડીની ખાસ અસર જણાતી નથી. જોકે બપોરે ગરમી અને સાંજે ફરી એકવાર સામાન્ય ઠંડીનો ચમકારો જોવા મળે છે. પરિણામે બેવડી ઋતુના કારણે ખાંસી-શરદીના દર્દીઓમાં વધારો થયો છે. આજે હવામાન ખાતાની આગાહી મુજબ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. જોકે વહેલી સવારે અને દિવસ દરમિયાન પવનની ખાસ ગતિ રહી ન હતી.