સોમનાથમાં અરબી સમુદ્રતટે 3500થી વધુ શિવભક્તો દ્વારા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિત નાના-મોટા તમામ શિવમંદિરોમાં આખો દિવસ દર્શન, પૂજન, શૃંગાર, અભિષેક થયા : રાત્રે 4 પ્રહરની આરતી કરાઈ : રાજકોટ, જામનગર, સોમનાથ, ખંભાળિયા સહિતના શહેરો-ગામોમાં વાજતે-ગાજતે શિવ-શોભાયાત્રા નીકળીસૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રિના પાવન પર્વે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજ્યો
રાજકોટ, : દેવાધિદેવ ભગવાન શિવજીની આરાધનાના મહાપર્વ એવા મહાશિવરાત્રિના પાવન પર્વેની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને સર્વત્ર 'હર હર મહાદેવ'નો નાદ ગુંજ્યો હતો. સોમનાથમાં અરબી સમુદ્રતટે 3500થી વધુ શિવભક્તો દ્વારા પાર્થેશ્વર શિવલિંગનું સમુહ પૂજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિત નાના-મોટા તમામ શિવમંદિરોમાં આખો દિવસ દર્શન, પૂજન, શૃંગાર, અભિષેક થયા હતા અને રાત્રે ચાર પ્રહરની આરતી કરાઈ હતી. રાજકોટ, જામનગર, સોમનાથ, ખંભાળિયા સહિતના શહેરો-ગામોમાં વાજતે-ગાજતે શિવ-શોભાયાત્રા નીકળી હતી.
વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવ્યું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઉમટી પડયા હતા. બાદમાં આખો દિવસ ક્રમશઃ પૂજા-અર્ચના અને શૃંગાર-અભિષેક ચાલ્યા હતા. રાત્રે 8 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી 4 પ્રહરની પૂજા-આરતી કરવામાં આવ્યા હતા. આ સાથે આ વર્ષે સોમનાથ મંદિરના આંગણે ત્રિદિવસીય 'સોમનાથ મહોત્સવ' પણ યોજવામાં આવ્યો હતો. બીજી તરફ આજે અરબી સમુદ્ર કિનારે મારૂતિ બીચ ખાતે આજે સવારે 3,500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હતી. આજે સોમનાથ મંદિર પરીસરમાં પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. આજે સંધ્યા આરતી સુધીમાં 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આજે રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા, 69 ધ્વજારોહણ, 1973 રૂદ્રાભિષેક પઠન, 77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર-જિલ્લામાં આજે 'ઓમ નમઃ શિવાય'નો નાદ ગુંજતો રહ્યો હતો. રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિર, જાગનાથ મંદિર, પંચનાથ મંદિર, ધારેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ શિવાલયોમાં આજે આખ્ખો દિવસ શિવભક્તોની ભીડ રહી હતી. બપોરે વાજતે-ગાજતે શિવ-શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જસદણ પાસેના ઘેલા સોમનાથ મંદિરે શિવજીને અદભૂત શૃંગાર કરવામાં આવ્યો હતો. ગોંડલના પંચવટી વિસ્તારમાં રાજરાજેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. ગોંડલ મુક્તિધામ ખાતે મુક્તેશ્વર મહાદેવ મંદિરે 700 કિલો ફ્રૂટનો શૃંગાર કરાયો હતો. ધોરાજીમાં તમામ શિવમંદિરોમાં મહાઆરતી, પૂજન, અભિષેક, ભાંગ પ્રસાદ વિતરણ યોજાયા હતા. જેતપુરમાં રામનાથ મહાદેવ મંદિરથી પાલખીયાત્રા નીકળી હતી.