VIDEO: પાકિસ્તાન સામે જીત બાદ ગુજરાત અને મુંબઈમાં ધમાકેદાર ઉજવણી, ક્રિકેટ ચાહકોએ આતશબાજી કરીને જશ્ન મનાવ્યો
ICC Champions Trophy 2025 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે રવિવારે ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. આ જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે ગુજરાતના અમદાવાદ, સુરત, ભરુચ અને મુંબઈ સહિતમાં જોરશોરથી ભારતીય ટીમની જીતની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય ટીમની ભવ્ય વિજય પર ફટાકડા ફોડીને ક્રિકેટ ચાહકોએ ભવ્ય ઉજવણી કરી અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતભરમાં ભવ્ય ઉજવણીનો માહોલ
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે 23 ફેબ્રુઆરી ભારતની જીત થઈ છે, ત્યારે ક્રિકેટ ચાહકોએ ભારત માતાની જય અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. દેશભરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ભારતની જીતને લઈને ફટાકડા ફોડી રહ્યા છે અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની જીત પર લોકો ભવ્ય ઉજવણી કરી હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ભારતના તિરંગો લહેરાવી, ફટાકડા ફોડીને લોકોએ ઉજવણી કરી. જ્યારે સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ફટાકડા ફોડીને ભારતની જીત પર ભવ્ય ઉજવણી કરી છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની જીતને લઈને ગુજરાતભરમાં જશ્નનો માહોલ છે, ત્યારે ભરૂચમાં તિરંગો લહેરાવી, ઢોલ-નગરા વગાડી ડાંસ કરીને ઉત્સાહભેર ઉજવણી કરી છે. જ્યારે મુંબઈમાં પણ લોકોએ ભારતની જીતને ઉજવણી કરી.
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના 241 રનના ટાર્ગેટને માત્ર 42.3 ઓવરમાં પૂર્ણ કરી દીધો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ ફોર્મમાં મજબૂત વાપસી કરવાની સાથે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેના પોતાના રેકોર્ડમાં પણ સુધારો કર્યો. આ સાથે ભારતે સેમિફાઇનલમાં પહોંચવાનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો.