વડોદરામાં બોર્ડની પરીક્ષા સમયે વીજળી ગુલ થઈ, ખોદકામના કારણે કેબલ કપાતા વિદ્યાર્થીઓને પડી હાલાકી
Vadodara : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ થયા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા.મળતી વિગતો પ્રમાણે આજે સવારની પાળીમાં ધો.10ના વિદ્યાર્થીઓ ગોરવા વિસ્તારની સત્ય નારાયણ સ્કૂલમાં પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે ચાલુ પરીક્ષાએ જ અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તપાસ કરતા ખબર પડી હતી કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપનીનો કેબલ કપાઈ ગયો હતો. જેના કારણે વીજ પૂરવઠો ખરોવાઈ ગયો.
ખાડો કોણે ખોદ્યો તે રહસ્ય અકબંધ
જોકે ખોદકામ કોણે કર્યું હતું તેની જાણકારી મળી નહોતી. વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ખાડો ખોદયો હતો.દરમિયાન વીજ પુરવઠો ચાલુ કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ટીમને જહેમત ઉઠાવવી પડી હતી. કપાયેલા કેબલનું તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. આમ છતાં વિદ્યાર્થીઓને અડધો કલાક સુધી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ગયા વર્ષે પણ 3 શાળામાં બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ બોર્ડ પરીક્ષા દરમિયાન ત્રણ સ્કૂલમાં કેબલ કપાવાથી વીજળી ગુલ થઈ હતી અને આ અનુભવને ધ્યાનમાં રાખીને વીજ કંપનીએ કોર્પોરેશનને ખોદકામ દરમિયાન કેબલ ના કપાય તેની કાળજી રાખવા માટે પત્ર પણ લખ્યો હતો. આમ છતા પરીક્ષાના પહેલા જ દિવસે સ્કૂલમાં વીજળી ગુલ થતા હવે તંત્ર દોડતું થઈ ગયું હતું.