અમદાવાદમાં યુવતીએ રિક્ષાચાલકને પ્રસાદ ખવડાવી બેભાન કર્યા, વિંટી અને મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ
ચાર દિવસ પછી ભાનમાં આવ્યા બાદ રિક્ષાચાલકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
અમદાવાદઃ શહેરમાં એવા અનેક કિસ્સા સામે આવ્યાં છે જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોના દાગીના અને રોકડા રૂપિયા લૂંટાયા હોય પરંતુ ખુદ રિક્ષા ચાલક લૂંટાયો હોય તેવો કિસ્સો શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રેનથી આવેલી એક યુવતીએ રિક્ષાચાલકને નશીલો પદાર્થ ખવડાવી લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે. રિક્ષા ચાલકે યુવતીએ આપેલો પેંડો ખાતા જ બેભાન થઈ ગયો હતો અને તેને ચાર દિવસ બાદ ભાન આવ્યું હતું. તેના હાથમાંથી વિંટી અને મોબાઈલની લૂંટ થઈ હતી. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાગડાપીઠ વિસ્તારમાં રહેતા વૃદ્ધ શિવનારાયણ યાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં શિવનારાયણ મણિનગર રેલવે સ્ટેશન બહાર રિક્ષા લઇને સવારીની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે એક યુવતી મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી. તેણે રખિયાલ જવાનું કહેતાં શિવનારાયણ યાદવે તેને રિક્ષામાં બેસાડી દીધી હતી. ત્યાર બાદ રખિયાલમાં મેલડી માતાના મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને આવ્યા બાદ તેણે વૃદ્ધને પેંડાનો પ્રસાદ આપ્યો હતો. પ્રસાદ ખાધા બાદ વૃદ્ધ થોડા સમયમાં બેભાન થઈ ગયા હતાં. શિવનારાયણ ભાનમાં આવ્યા ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
યુવતીએ નશીલો પ્રસાદ ખવડાવીને શિવનારાયણ યાદવને બેભાન કરી દીધા હતા અને બાદમાં તેમની પાસેથી સોનાની વીંટી અને મોબાઇલ ફોન તેમજ રોકડની ચોરી કરીને જતી રહી હતી.મણિનગર રેલવે સ્ટેશનથી યુવતી બહાર આવી હતી ત્યારે તેનાં મોં પર દુપટ્ટો બાંધ્યો હતો. જેથી તેની ઓળખ થવી મુશ્કેલ છે. આ સિવાય શિવનારાયણ યાદવના પુત્ર વિજય યાદવે પણ જણાવ્યું છે કે જ્યારે તે નાના ચિલોડા સુધી પહોંચી ત્યારે તેણે દુપટ્ટો કાઢ્યો નહોતો. મણિનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.