સ્મીમેરમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે પુરતા પ્રકાશનો અભાવ
- દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી : સ્ટાફે લેખિતમાં ફરિયાદો કરી છતા તંત્ર બેફિકર
સુરત, :
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ચોવીસ કલાક દર્દીનો ફ્લો રહે છે. તેવા સમયે આ વિભાગમાં ટ્રિટમેન્ટ એરિયામાં લાઈટ્સનો પૂરતો પ્રકાશ નહિ મળવાને લીધે દર્દીઓને સારવાર આપવામાં અનેક તકલીફો પડી રહી હોવાની ફરિયાદ ઊઠવા પામી છે.
સ્મીમેર હોસ્પિટલમાં વિભાગોમાં રીનોવેશન વચ્ચે તાત્કાલિક સારવાર વિભાગમાં જ્યાં રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક મારામારી, અકસ્માતમાં ઈજાગ્રસ્ત, મેડીકલ લીંગલ કેસના દર્દીઓને લવાય છે. અહી છેલ્લા કેટલાક સમયથી ટ્રિટમેન્ટ એરિયામાં લાઇટનો પ્રકાશ ઓછો પડે છે. લાઇટો વધુ પડતી ઉંચાઇ પર લગાડી દેવાયેલી છે. તેથી દર્દીના ટેબલ સુધી પ્રકાશ અપુરતો હોય છે. રાતે તો ઠીક દિવસે પણ સારવાર કરવામાં મુશ્કેલી નડે છે. ઇન્ક્યુપેશન કે બાટલો ચઢાવવા સોય નાંખવાની હોય ત્યારે ઓછો પ્રકાશ અડચણ બને છે. કેઝયુલીટી વિભાગના નર્સિગ સ્ટાફ દ્વારા આ સમસ્યા અંગે ધણી વખત ઈલેક્ટ્રીક વિભાગ કે સ્મીમેરના તંત્રને લેખિત ફરિયાદ થઇ છે. ત્યારબાદ મૌખિક અને ટેલિફોનિક પણ ફરિયાદ કરવા છતા આ સમસ્યાનું નિરાકરણ થયું નથી. સ્મીમેર હોસ્પિટલના અધિકારીએ કહ્યું હતું કે, ઈલેક્ટ્રીક વિભાગને આ અંગે જાણ કરીને તાત્કાલિક સારવાર અને અન્ય વિભાગોમાં પુરતો પ્રકાશ મળે તેવી લાઇટો લગાડવા સૂચના અપાઇ છે.