સ્મીમેરમાં હિન્દુ દર્દીની મુસ્લિમ વૃદ્ધા જનેતાની જેમ સેવાચાકરી કરે છે
- ચોકબજાર પાસે ફુટપાથ પરથી બિનવારસી મળેલા પ્રદિપરામને માતારૃપે ફરીદાબાનું મળ્યા
સુરત :
આજના
યુગમાં છોરુ કછુરુ થાય પણ માવતર ક્યારે પણ કમાવતર નહી થવાના ઘણા કિસ્સાઓ જોવા મળતા
હોય છે. આવા સમયમાં પાલિકા સંચાલિત
સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાનું હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
હિન્દુ દર્દીનું કોઇ નથી તેની સેવાચાકરી મુસ્લિમ વૃધ્ધા પોતાના પુત્રની જેમ કરી
રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોકબજાર ખાતે ફૂટપાથ પર બિનવારસીની જેમ ૪૨ વર્ષીય પ્રદિપરામ ગુપ્તા થોડા માસ પહેલા ગંભીર હાલતમાં પડેલા મળતા સ્મીમેરમાં ટી.બી વોર્ડમાં દાખલ કરીને વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર શરૃ કરાઇ હતી. ટી.બી એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડો. અરવિંદ પાંન્ડે કહ્યુ કે, દર્દી સાથે તેના પરિવાર કે પરિચિત વ્યકિત નથી. તેને ટીબીની જુની બીમારી છે. હાલમાં ફેંફસામાં ખામી હોવાના લીધે હૃદયમાં પણ તકલીફ થઇ રહી હતી. તેને ઇન્ટરસ્ટ્રીસીયલ લંગ ડિસીસ એટલે કે આઇ.એલ.ડી કહેવાય છે. હાલમાં ઓક્સિજન પર છે જરુર પડે ત્યારે બાઇપેપ પર રખાય છે.
તેની દેખરેખ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ રાખતો હતો. દરમિયાન હાલમાં ૬૦ વર્ષીય સેવાભાવી ફરીદાબાનું વોર્ડમાં આવ્યા ત્યારે તેમને જાણ થઇ કે પ્રદીપ એકલો જ છે, તેની પાસે કોઈ સંબંધી નથી. જેથી તેમણે પ્રદીપની સેવાચાકરી કરવાનું શરૃ કર્યુ છે. તેના સ્વસ્થ થવા માટે દુઆ પણ કરી રહ્યા છે. પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું પાણી તેને પીવડાવે છે. દવા અને દુઆના સહારે તે જલ્દી સ્વસ્થ થઇ જાયે તેવી આશા છે. વૃધ્ધા નિઃસ્વાર્થભાવે તેની સેવાચાકરી કરી રહ્યા હોવાથી ડોકટર સહિતના સ્ટાફ પણ ગદગદ થઇ ગયા છે.