તપી રહ્યું છે ગુજરાત, માર્ચમાં રેકૉર્ડ તોડ ગરમી પડશે, 40 ડિગ્રીએ પહોંચશે પારો, IMDની મોટી ચેતવણી
IMD Forecast : રાજ્ય સહિત દેશભરમાં વાતાવરણ બદલી રહ્યું છે, ત્યારે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. ભીષણ ગરમી અને ગરમ હવાને લઈને હવામાન વિભાગે 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું હતું. ગુજરાત તપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી માર્ચ મહિનામાં રેકૉર્ડ તોડ ગરમી પડશે. જેમાં 40 ડિગ્રીએ સુધી ગરમીનો પારો પહોંચશે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી
હવામાન વિભાગ મુજબ, આજે ગુરુવારે ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, મહારાષ્ટ્રમાં મુંબઈનું લઘુતમ તાપમાન 22 અને મહત્તમ 37 ડિગ્રી સેલ્સિયસ હતું.
ગુજરાતમાં ફરી માવઠું
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માર્ચના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. તેમજ આગામી 7થી 10 માર્ચમાં કમોસમી વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 674 એશિયાઈ સિંહ, વિવિધ પ્રજાતિઓની 5.65 લાખથી વધુની વસ્તી નોંધાઈ
મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું
મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તીવ્ર ગરમી અને ગરમીના મોજાની ઝપેટમાં રહ્યા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુરુવારે મુંબઈના બોરીવલી, ચેમ્બુર, મુલુંડ, સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે આવતીકાલે શુક્રવારે આ વિસ્તારોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનો અંદાજ છે. આ ઉપરાંત મુંબઈના કુલવા, પુવાઈ અને વરલીમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.