પોલીસ સાથે મારામારી કરનાર દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને બે વર્ષની કેદ
દારૃના ગુનામાં પકડાયેલા બે આરોપીઓને છોડાવવા માટે
આરોપીઓને તાત્કાલિક છોડી દેવા પીએસઆઇ સાથે રકજક કરી જમાદારને મારમાર્યો હતો ઃ દહેગામ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : કોરોના કાળ દરમિયાન દહેગામ પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં પકડવામાં આવેલા બે આરોપીઓને તાત્કાલિક છોડી દેવા માટે પોલીસ સાથે મારામારી કરનાર દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને કોર્ટ દ્વારા બે વર્ષની કેદની સજા અને ૧૦૦૦ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે દહેગામ પોલીસ દ્વારા નોંધવામાં
આવેલા પ્રોહીબિશનના ગુનામાં બે આરોપીઓ આગોતરા જામીન લઈને પોલીસ મથકે કોરોના કાળ
દરમિયાન એટલે કે ૧૭ મે ૨૦૨૦ના રોજ હાજર થયા હતા. જેથી પોલીસ દ્વારા તેમની પૂછપરછ
શરૃ કરવામાં આવી હતી. જેના પગલે આ આરોપીઓએ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા
રાઠોડના પતિ અને તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈ
રાઠોડનો સંપર્ક કર્યો હતો. જેથી ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ સિસોદિયા
પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.લાલભાઈએ આરોપીઓને તાત્કાલિક છોડી મૂકવાની માગણી કરી
હતી. પોલીસ મથકમાં હાજર પીએસઆઇ સોલંકી દ્વારા કાર્યવાહી પૂરી થયા બાદ છોડી દેવા
માટે જણાવવામાં આવ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલા લાલભાઈએ ત્યાં હાજર પોલીસ
અધિકારી અને જવાનોને ધમકીઓ આપી હતી. એટલું જ નહીં તેમને શાંત રહેવાનું કહેતા
જમાદાર વિક્રમભાઈ સાથે મારામારી કરી હતી. પોલીસ સ્ટેશનમાંથી નીકળતા સમયે પોલીસ
જવાનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના પગલે દહેગામ પોલીસ દ્વારા બંને
આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૫૩, ૩૩૨ સહિતની વિવિધ કલમો અને કોવિડ-૧૯ એક્ટ
હેઠળ ગુનો નોંધ્યો હતો.
જે કેસ દહેગામના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.પી. મહેતાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને કોર્ટે પુરાવાઓને આધારે કોર્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહ રાઠોડને દોષિત ઠેરવીને બે વર્ષની સજા અને ૧૦૦૦ રૃપિયા દંડ કરવામાં આવ્યો હતો.