સુરતના ઉત્રાણમાં બાયોડીઝલનું મસમોટું નેટવર્ક, 1.20 કરોડનો મુદ્દામાલ કબજે
સ્ટેટ મોનીટરીંગ સેલે ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો બાદ સચીનમાંથી 1.30 લાખ લિટર જથ્થો કબજે કર્યો
ચારની ધરપકડ : મુખ્ય સૂત્રધાર ડોંડા ભાઈઓ સહિત છ વોન્ટેડ
- સ્ટેટ મોનીટરીંગ સેલે ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો બાદ સચીનમાંથી 1.30 લાખ લિટર જથ્થો કબજે કર્યો
- ચારની ધરપકડ : મુખ્ય સૂત્રધાર ડોંડા ભાઈઓ સહિત છ વોન્ટેડ
સુરત, : ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલે ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી પાડી ઝડપાયેલાઓની પુછપરછના આધારે સચીન જીઆઈડીસી પાયલ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શન યુનીટમાં રેઇડ કરી 91.23 લાખનું 1.30 લાખ લિટર બાયોડીઝલ કબજે કરી બાયોડીઝલનું મસમોટું નેટવર્ક ઝડપી પાડયું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલે બાયોડીઝલ, ચાર મોબાઈલ ફોન, લકઝરી બસ, ડીસ્પેન્સર પંપ સાથેનો ટેમ્પો, બાઈક, રોકડ વિગેરે મળી કુલ રૂ.1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી ચારની ધરપકડ કરી હતી.જયારે નેટવર્ક ચલાવતા ડોંડા ભાઈઓ સહિત છ ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીઆઈ આર.એસ.પટેલ અને સ્ટાફે ગતરોજ ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી લીધો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી રૂ.20 લાખની મત્તાની લકઝરી બસ ( નં.જીજે-14-ઝેડ-8411 ), રૂ.4 લાખની મત્તાનો ડીસ્પેન્સર પંપ સાથેનો ટેમ્પો ( નં.જીજે-05-બીટી-7924 ) અને રૂ.91 હજારની મત્તાનું 1300 લીટર બાયોડીઝલ કબજે કરી ત્યાંથી ઝડપાયેલાઓની પુછપરછના આધારે સચીન જીઆઇડીસી પ્લોટ નં.835/1 સ્થિત પાયલ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શન યુનીટમાં રેઇડ કરી ત્યાંથી રૂ.90,26,550 ની મત્તાનું 1,28,950 લીટર બાયોડીઝલ કબજે કરી કુલ રૂ.91,23,100 ની મત્તાનું 1,30,330 લીટર બાયોડીઝલ, રૂ.23 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન, લકઝરી બસ, ડીસ્પેન્સર પંપ સાથેનો ટેમ્પો, બાઈક, રોકડા રૂ.37,960 વિગેરે મળી કુલ રૂ.1,20,21,360 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલે લકઝરી બસના ડ્રાઈવર નાજીભાઈ દાદુભાઈ મેત્રા ( રહે.પીયાવાવ, સાવરકુંડલા, અમરેલી ), ક્લીનર મહેશ રાજાભાઈ ગોયાણી ( રહે.99, જલદર્શન સોસાયટી, સીમાડાનાકા, સુરત ), બાયોડીઝલ વેચતા મેનેજર હિતેશ પ્રવીણભાઈ કોલડીયા ( રહે.એ/901, રોયલ એ-1 એપાર્ટમેન્ટ, યોગીચોક, સુરત ), કારીગર રવિ રાજમણિ મિશ્રા ( રહે.ખોડીયાર પાર્કીંગ ગેરેજ, વાલક પાટીયા, સરથાણા, સુરત ) ની ધરપકડ કરી પાયલ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા ઘણા સમયથી લીઝ પર લઈ ત્યાં બાયોડીઝલ બનાવી લકઝરી બસના સંચાલકોને તેનું વેચાણ કરતા મુખ્ય ડીલર અલ્પેશ બાબુભાઈ પટેલ ( ડોંડા ) ( રહે.ખોડીયાર કૃપા સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત ), તેના ભાઈ લલીત ( રહે.રિવેરા હાઈટસ, તાપી કિનારા પાસે, મોટા વરાછા, સુરત ), મુખ્ય ઉત્પાદકકો સંજય મધુભાઈ તાવીયા ( પટેલ ) ( રહે.શગુન રેસિડન્સી, યોગીચોક, પુણાગામ, સુરત ) અને તેના ભાઈ દિપક ( રહે.37, તિરૂપતી સોસાયટી, વરાછા રોડ, સુરત ), ટ્રાવેલ્સ માલિક રૂખડભાઈ રબારી ( રહે.કતારગામ, સુરત. મૂળ રહે.કાત્રોડી, તળાજા રોડ, ભાવનગર ) અને ટ્રાવેલ્સ મેનેજર જીતુભાઇ દેવેજભાઈ ખીસીયા ( રહે.ખીસીયાપરા વંડા, સાવરકુંડલા, અમરેલી ) ને વોન્ટેડ જાહેર કરી આ અંગે ઉત્રાણ અને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં બે ગુના નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સિંગણપોર પોલીસે પણ હાથી મંદીર રોડ પર બાયોડીઝલનું નેટવર્ક ઝડપ્યું
700 લિટર બાયોડીઝલના જથ્થા સાથે ત્રણની ધરપકડ
સુરત, : સિગણપોર પોલીસે પણ હાથી મંદિર રોડ પાળા પાસે વિન્ટેક્ષ બસ પાર્કીગમાં રેઇડ કરી ત્યાંથી રૂ.63 હજારની મત્તાના 700 લિટર બાયોડીઝલના જથ્થા સાથે ડ્રાઈવર મયુરભાઇ મગનલાલ મુડસા ( ઉ.વ.40, રહે.ડી/303, સગુન રેસીડન્સી, નનસાડ રોડ, કામરેજ, સુરત. મુળ રહે.મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ ), રાહુલ સુરેશભાઇ રાઠોડ ( ઉ.વ.28, રહે.ખોજ પાડદી, તા.બારડોલી,સુરત ), વિપુલ વજુભાઈ ઝાલાવાડીયા ( ઉ.વ.41, રહે.વિક્ટોરીયા એપાર્ટમેન્ટ, પાસોદરા, તા.કામરેજ, જીસુરત ) ને ઝડપી પાડી સ્થળ પરથી બાયોડીઝલ, તેના પંપ સાથેની ટ્રક ( નં.જીજે-05-બીયુ-3802 ), બે મોબાઈલ ફોન અને બાયોડીઝલ વેચાણના રોકડા રૂ.3,53,700 મળી કુલ રૂ.10,01,700 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કાપોદ્રામાં 4500 લીટર બાયોડીઝલ ભરેલો ટેમ્પો બિનવારસી મળ્યો
સુરત, : કાપોદ્રા પોલીસે ચીકુવાડી સ્વાતી સોસાયટી પાસે ખુલ્લા પોપડામાં બિનવારસી પડેલા ટેમ્પો ( નં.જીજે-05-વી-8881 ) ની જડતી લેતા તેમાંથી રૂ.3.60 લાખની મત્તાનું 4500 લીટર બાયોડીઝલ અને ડીસ્પેન્સર મશીન વિગેરે મળી કુલ રૂ.6.20 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.