અમદાવાદ સહિત ગુજરાતની બેઠકોની ટિકિટોની ફાળવણીમાં અમિત શાહનું વર્ચસ્વ રહેશે
- ૧૮૨ બેઠકોની પેનલો લઇને અમિત શાહ દિલ્હી પહોંચ્યા
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ભાજપે ઉમેદવાર પસંદ કરવાનો ધમધમાટ શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવાની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સુપરત કરી છે. આંતરિક જૂથવાદ ઉપરાંત પાટીલની સરમુખ્તારશાહીથી નારાજ અમિત શાહે ઉમેદવાર પસંદગીથી માંડીને ચૂંટણી પ્રક્રિયા પર સંપૂર્ણ કમાન મેળવી છે. આ વખતે ઉમેદવાર પસંદગીમાં શાહ જૂથનો હાથ ઉપર રહેશે જયારે આનંદીબેન પટેલ જૂથની બાદબાકી થશે. ક્મલમમાં ત્રણ દિવસ સુધી મંથન કર્યા બાદ અમિત શાહે કુલ ૧૮૨ બેઠકો પર વર્તમાન ધારાસભ્ય સહિત સંભવિત દાવેદારોની પેનલ તૈયાર કરી છે. દિલ્હીમાં આવતીકાલથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે ત્યારે અમિત શાહે નક્કી કરેલા નામો પર વડાપ્રધાન સંપૂર્ણ સંમતિ દર્શાવશે. આ ઉપરાંત જૂના જોગીઓને ટિકિટ આપવી કે નહી તે વડાપ્રધાન ખુદ નક્કી કરશે. તા.૧૦મી પછી ગમે તે ઘડીએ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાશે.
તા.૧૦મી પછી ગમે તે ઘડી ઉમેદવારોના નામો જાહેર થશે
ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી ત્યારે અમદાવાદની એકાદ બે બેઠકને બાદ કરતા મોટાભાગની બેઠકો પર જાણે દાવેદારોની રાફડો ફાટયો છે. એક એક બેઠક પર સરેરાશ ૩૦-૩૫ દાવેદારોએ વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી છે. આ વખતે પણ ભાજપની સરકાર રચાય તેવી પુરેપુરી શક્યતા છે તે જોતા ટિકીટ મેળવવા શાહ અને આનંદીબેન જૂથના દાવેદારો વચ્ચે ભરપૂર ખેંચતાણ જામી છે. સૂત્રોના મતે, આ વખતે ઉમેદવારોની પસંદગીમાં શાહ જૂથનો હાથ ઉપર રહેશે. જે રીતે ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોચ્યો છે તે જોતા અમિત શાહ આનંદીબેન પટેલના દાવેદારોની બાદબાકી કરવાના મૂડમાં છે. આ જોતા આનંદીબેન પટેલ જૂથે પણ છેક દિલ્હી સુધી લોબિંગ કર્યુ છે. જોકે, ઉંમર, પાંચ વર્ષના રિપોર્ટ કાર્ડ સહિતના પાસાઓને આગળ ધરીને આનંદીબેન પટેલ જૂથના દાવેદારોનુ એકડા કાઢી નંખાશે તે નક્કી છે.
અમદાવાદની કેટલીક બેઠકો પર અમિત શાહ જૂથના દાવેદારોની ટિકિટ લગભગ ફાઇનલ છે. ભાજપે ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામ પર તો આખરી મહોર મારી દીધી છે. જયારે અસારવામાં સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર શાહ જૂથના મનાય છે તેથી તેઓ રિપિટ કરાય તેવી શક્યતા છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ શાહના નજીકના ગણાય છે તે જોતાં વટવામાં તેમની ટિકીટ પાક્કી છે. નિકોલમાં ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલને શાહ જૂથના હોવાથી તેમને પુનઃ ચૂંટણી મેદાને ઉતારવાનુ લગભગ નક્કી છે. વેજલપુરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અથવા ભાજપના યુવા નેતા પ્રદિપસિંહ વાઘેલાને તક મળી શકે છે. બંને શાહ જૂથના દાવેદારો મનાય છે. જુહાપુરામાં મુસ્લિમ બિલ્ડરો સાથેની રાજકીય દોસ્તીને કારણે આ બેઠક પર ધારાસભ્ય કિશોર ચૌહાણને પડતા મૂકવાનુ નક્કી છે.
જમાલપુર બેઠક પર ફરી ભૂષણ ભટ્ટે પુત્ર જૈવલ માટે ટીકીટ માંગી છે પણ ભાજપ નેતૃત્વ ટીકીટ આપવાના મતમાં નથી. એલિસબ્રિજ બેઠક પર રાકેશ શાહની આ વખતે બાદબાકી નક્કી છે જયારે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, જેનિક વકીલના પેનલમાં પસંદ થયા છે.
ટૂંકમાં, ઉમેદવાર પસંદગીમાં અમિત શાહ હુકમનો ઇક્કો સાબિત થશે જેમાં આનંદીબેન જૂથનુ જડમૂળમાંથી પત્તુ કપાશે.