Get The App

નધણિયાતી કારમાંથી રૃપિયા ૩.૫૪ લાખનો ઇંગ્લીશ દારૃ ઝડપી લેવાયો

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
નધણિયાતી કારમાંથી રૃપિયા ૩.૫૪ લાખનો ઇંગ્લીશ દારૃ ઝડપી લેવાયો 1 - image


રણાસણ ગામની સીમમાં રેલવે ક્રોસિંગ પાસેથી

નંબર પ્લેટ વગરની લોક કરી રાખેલી ગાડીના બારીના કાંચ ફોડી પોલીસ દ્વારા દારૃની બોટલો ભરેલી ૪૧ પેટી જપ્ત કરાઇ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૃની બદી ફુલીફાલી હોવાથી પોલીસ હરકતમાં આવી છે. ત્યારે તાલુકાના રણાસણ ગામની સીમમાં રેલવે ક્રોસિંગ પાસે પડેલી નધણિયાતી કારમાંથી રૃપિયા ૩.૫૪ લાખનો ઇંગ્લીશ દારૃ ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે નંબર પ્લેટ વગરની લોક કરી રાખેલી ગાડીના બારીના કાંચ ફોડી પોલીસ દ્વારા દારૃની બોટલો ભરેલી ૪૧ પેટી જપ્ત કરવામાં આવી હતી.

ડભોડા પોલીસ મથકના એએસઆઇ સફિક એહમદ નસીર અહેમદ દ્વારા આ સંબંધે સરકાર પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં જણાવાયા પ્રમાણે પોલીસ પેટ્રોલિંગ દરમિયા રણાસણ ગામની સીમમાં બંધ હાલતમાં પડેલી ગાડીમાં દારૃ ભરેલો હોવાની માહિતી મળતાં પોલીસ ટુકડી સ્થળ પરં પહોંચી હતી. જ્યાં બલેનો કાર મળી આવી હતી. જેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ ન હતી. ઉપરાંત લોક કરી રાખેલી હાલતમાં કાર પડી હોવાથી પંચોની રૃબરૃમાં તેની બારીનો કાંચ ફોડીને ગાડી ખોલવામાં આવતાં તેમાંથી દારૃની બોટલો ભરેલી ૪૧ પેટી મળી આવી હતી. પોલીસ દ્વારા એક બોટલની કિંમત રૃપિયા ૧૮૦ ગણીને કુલ રૃપિયા ૩.૫૪ લાખની કિંમતની ૧,૯૬૮ બોટલ ઇગ્લીશ દારૃની જપ્ત કરીને બુટલેગરની શોધખોળ શરૃ કરવા સાથે કાયદસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News