દિવાળીની રજામાં ગુજરાતમાં વધ્યાં માર્ગ અકસ્માત, અમદાવાદમાં દરરોજ 97 લોકો અકસ્માતમાં થયા ઘાયલ
Road Accidents Increased in Gujarat During Diwali: ગુજરાત સહિત અમદાવાદમાં દિવાળીની રજાઓમાં માર્ગ અકસ્માતથી થતી ઈજાના કેસમાં વધારો થયો છે. 31 ઑક્ટોબરથી 10 નવેમ્બર એમ 11 દિવસમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 7003 વ્યક્તિને ઈજા થઈ છે.
રજાઓમાં ગુજરાતમાં પ્રતિ કલાક સરેરાશ 27થી વઘુ વ્યક્તિના અકસ્માત
ઇમરજન્સી સેવા ‘108’ પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાતમાંથી માર્ગ અકસ્માતમાં સૌથી વઘુ ઈજા અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં 11 દિવસમાં 1059 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. આમ, પ્રતિ દિવસે અમદાવાદમાં સરેરાશ 97 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. જેમાં 31 ઑક્ટોબરે સૌથી વઘુ 131, બીજી નવેમ્બરે 125, 1 નવેમ્બરે 120ને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી.
આ સમયગાળામાં માર્ગ અકસ્માતમાં સૌથી વઘુ ઈજા થઈ હોય તેમાં સુરત 687 સાથે બીજા નંબરે, વડોદરા 430 સાથે ત્રીજા નંબરે, રાજકોટ 356 સાથે ચોથા નંબરે અને ભાવનગર 260 સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં બીજી નવેમ્બરે સૌથી વઘુ 1081, 31 ઑક્ટોબરે 921 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી.
દિવાળીની રજાઓમાં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં ક્યારે થઈ સૌથી વઘુ ઈજા?
તારીખ | ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા |
31 ઑક્ટોબર | 131 |
1 નવેમ્બર | 120 |
2 નવેમ્બર | 125 |
3 નવેમ્બર | 117 |
10 નવેમ્બર | 90 |