'તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું', દેવાયત ખવડ અને આયોજક સાથેની વાતચીતની ઓડિયો વાયરલ
Devayat Khavad Audio Clip Viral: ગુજરાતી લોકસાહિત્ય કલાકાર અવાર-નવાર દેવાયત ખવડ અવારનવાર પોતાના ડાયરા અને વિવાદને કારણે ચર્ચામાં રહે છે. બે દિવસ પહેલાં પણ તે ફરી વિવાદમાં આવ્યા હતાં. જેમાં પૈસા લઈને ડાયરો કરવા ન આવવાનો આરોપ લગાવી તેમની ગાડી સાથે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાયત ખવડે વીડિયો શેર કરી પુષ્ટિ કરી હતી કે, મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે. જોકે, આ મુદ્દે બાદમાં દેવાયત ખવડે તોડફોડ કરવા બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી અને હાલ ફરી આ મુદ્દે દેવાયત ખવડનો ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં તે ડાયરા સંચાલક ભગવંત સિંહ ચૌહાણ સાથે વાત કરી રહ્યાં છે અને ઝઘડવા માટે તૈયારીમાં રહેવાની ધમકી આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગાડી પર હુમલાની ચર્ચા વચ્ચે દેવાયત ખવડની સ્પષ્ટતા, કહ્યું- મેં કશું ખોટું નથી કર્યું
દેવાયત ખવડ અને ભગવત સિંહ ચૌહાણનો સંવાદ
- ભગવત સિંહ ચૌહાણઃ શું મેં કર્યું છે ભાઈ?
- દેવાયત ખવડઃ તમે મારી ગાડીનો કાચ ફોડ્યો. મારે આવવામાં કલાક મોડું થયું, મેં તમને પૈસામાં નક્કી નહતું કર્યું. મેં સંબંધમાં તમને હા પાડી હતી. પરંતુ, તમે મારી ગાડીની આડે આવીને ગાડી ઊભી રખાવી, ગાડીની ચાવી લઈ લીધી.
- ભગવત સિંહ ચૌહાણઃ મારા બે લવ-કુશની સોગંદ મેં આવું કર્યું હોય તો...
- દેવાયત ખવડઃ તો તમારો ભાઈ-ભત્રીજો સાથે હતો ત્યારે તમે થાર આડી રાખી દીધી. હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી તમને હજુ કહુ છું. હું ફોનમાં બોલવાવાળો બોલ બચ્ચન નથી. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો... અને આ ત્રણ એકડા થાર કોની છે? ધ્રુવરાજની છે ને? ધ્રુવરાજે ગાડી રોકી અને કાચ ફોડ્યો. આમાં આબરૂ કોની કાઢી?
- ભગવત સિંહ ચૌહાણઃ તમે કહો એની સોગંદ, જો એણે કાચ તોડ્યો હોય તો.
- દેવાયત ખવડઃ ભગવત સિંહ કાચ તોડી નાંખ્યો અને ગાડી આખી લઈ ગયા ઉપાડીને. તમે દેવાયત ખવડની ગાડી ઉપાડીને લઈ ગયાં? હું કાઠી દરબાર છું અને મારી આબરૂ કાઢી નાંખી અત્યારે.
- ભગવત સિંહ ચૌહાણઃ અમે તમારૂ શું કર્યું?
- દેવાયત ખવડઃ હું કલાક મોડો પડ્યો, મેં તમારી ત્યાં આવીને તો ખાધું તમારૂ બટકું. કદાચ મારે મોડું થયું તો તમારે એવું કહેવાનું હતું કે, દેવાયતભાઈ આવો તમતમારે હું તમારી વાટ જોઉં છું.
- ભગવત સિંહ ચૌહાણઃ મેં કેટલાં ફોન કર્યાં? તમે કોઈ ફોનનો જવાબ જ ના આપ્યો.
- દેવાયત ખવડઃ પણ હું ગાવા બેઠો હતો, ફોન મારા ખોળામાં હતો. મેઘરાજનો ફોન આવ્યો તો મેં કહ્યું કે, પહોંચુ છું હું અશ્લાલી પહોંચ્યો છું.
- ભગવત સિંહ ચૌહાણઃ હવે તમારે શું કરવાનું છે?
- દેવાયત ખવડઃ મારે ઝઘડો કરવાનો છે. એ મારી ગાડી પડી હવે આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોઈતી. તમે તૈયારીમાં રહેજો.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, શુક્રવારે (21 ફેબ્રુઆરી) દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. શુક્રવારે અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન હતો રહ્યો તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે. જેમાં આરોપી તરીકે સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વધુ માહિતી ફરિયાદ બાદ જ પ્રકાશમાં આવી શકે છે.
દેવાયત ખવડની સ્પષ્ટતા
દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
વધુમાં દેવાયત ખવડે દાવો કર્યો કે, 'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું. અહીં ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે પોતાની ગાડી પર થયેલાં હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટીપ્પણી કે ઘટના વિશે વાત કરી નથી.