પોલેન્ડના વીઝા અપાવવાના બહાને વેપારીને ૯૦ હજારનો ચૂનો લગાડયો
વિશ્વાસઘાત અને છેતરપિંડીનો વધુએક કિસ્સો
પાંચ વર્ષ જુના સંબંધ હોવાથી વેપારીએ વીઝાનું કામ કરતાં મિત્રને ૧૦ મહિના પહેલા માંગ્યા મુજબ નાણા આપ્યા હતાં
ગાંધીનગર : પાટનગરમાં આર્થિક વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સામાં વધુએકનો ઉમેરો થયો છે. યુરોપિયન દેશ પોલેન્ડના વીઝા અપાવવાના બહાને કપડાના વેપારીને રૃપિયા ૯૦ હજારનો ચુનો લગાડવા સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પાંચ વર્ષ જુના સંબંધ હોવાથી વેપારીએ વીઝાનું કામ કરતાં મિત્રને ૧૦ મહિના પહેલા માંગ્યા મુજબ નાણા આપ્યા હતાં. પરંતુ ત્યાર બાદ કામ તો ન થયુ અને પૈસા પણ ગયા હતાં.
સેક્ટર ૩માં રહેતા અને કપડાની દુકાન ધરાવતા સંદિપ રમેશભાઇ મહેતાએ
આ સંબંધે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સેક્ટર ૨૭માં
એકતા કોલોનીમાં રહેતા પિયુષ મણીલાલ પરમારનું નામ દર્શાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે સંદિપની આરોપી સાથે પાંચ વર્ષ જુની ઓળખાણ હતી. પિયુષ વીઝાનું કામ કરતો હોવાથી
તેણે પોલેન્ડના વીઝા અપાવી દેવાનો વિશ્વાસ આપીને
ગત એપ્રિલ મહિનામાં ટુકડે ટુકડે રૃપિયા ૯૦ હજાર ફાઇલ ચાર્જ તરીકે પોતાના ખાતામાં
ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ સાથે તેણે માત્ર ૧૫ દિવસમાં વીઝાનું કામ થિ જશે તેમપણ જણાવ્યુ
હતું. આ મુદ્દત પુરી થઇ જવા છતાં વીઝા નહીં મળવાના પગલે સંદિપ દ્વારા વાંવાર સંપર્ક
કરવામાં આવ્યો ત્યારે દરેક વખતે પિયુષે કામ થિ જશે તેવા વાયદા આપવાનું શરૃ કર્યુ હતું.
આખરે તાજેતરમાં સંદિપ જ્યારે કુડાસણમાં સ્થિત તેની ઓફિસ પર પહોંચ્યો ત્યારે પિયુષ હાજર
મળી આવ્યો ન હતો. પરિણામે સંદિપે તેના ઘરે તપાસ કરી ત્યારે પિયુષના પિતાએ મારો દિકરો
મારાં કહ્યામાં નથી તેવો ઉડાઉ જવાબ આપતાં વિશ્વાસઘાત થયાનું જણાતા આખરે પોલીસ ફરિયાદ
નોંધાવી હતી.