૨૪ વર્ષ પહેલા ગેરકાયદેસરUSA ગયેલો આણંદનો વ્યક્તિ એરપોર્ટથી ઝડપાયો
ન્યુજર્સીમાં પત્નીના ગ્રીનકાર્ડથી સ્થાયી થવાની ફિરાકમાં હતો
નકલી પાસપોર્ટથી ભારત આવીને પત્નીના આધારે કાયદેસર વિઝા લઇને અમેરિકા પરત જવાનો હતો
અમદાવાદ,સોમવાર
બે દિવસ પહેલા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી આવેલી એક ફ્લાઇટમાંથી શંકાસ્પદ પાસપોર્ટ ધરાવતો પેસેન્જર મળી આવ્યો હતો. જેનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવતા એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ઝડપાયેલો વ્યક્તિ ૨૪ વર્ષ પહેલા ગેરકાયેદસર રીતે મેક્સિકો બોર્ડરથી અમેરિકા ગયો હતો. જ્યાં ગ્રીન કાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરીને રહેતો હતો. પરંતુ, તેની પત્નીના નામે અમેરિકામાં સ્થાયી થઇ શકાય તેમ હોવાથી તેણે એક એજન્ટની મદદથી બોગસ પાસપોર્ટ મેળવીને ભારત આવ્યો હતો અને તે કાયદેસર અમેરિકા પરત જવાની ફિરાકમાં હતો.
અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર
અમેરિકાથી આવેલી ફ્લાઇટમાં આણંદનો રહેવાસી અલ્પેશ પટેલ નામનો ૪૩ વર્ષીય પેસેન્જર
આવ્યો હતો. જેનો પાસપોર્ટ તપાસતા ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓને શંકા ઉપજી હતી અને
પાસપોર્ટ નંબરની ચકાસણી કરતા પાસપોર્ટ
નંબર ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ યુવકના પાસપોર્ટનો હતો અને જે ગુમ થયો હતો. જેથી
તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે એસઓજીને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે
તેની તપાસ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અલ્પેશ પટેલ ૨૪ વર્ષ પહેલા
એજન્ટની મદદથી બનાવટી પાસપોર્ટ મેળવીને ગોટુમાલા નામના દેશ થઇને મેક્સિકોની બોર્ડર
ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો. જ્યાં તે સ્ટોરમાં નોકરી કરતો હતો.
વર્ષ ૨૦૧૭માં તેણે સપના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તે અમેરિકાનું ગ્રીન
કાર્ડ ધરાવતી હતી. જેથી અલ્પેશે તેની પત્નીના ગ્રીન કાર્ડના આધારે અમેરિકામાં
સ્થાયી થવા માટે ભારત આવીને કાયદેસર વિઝા
લેવાનું નક્કી કર્યું હતુ. તેણે એક એજન્ટની મદદથી બનાવટી પાસપોર્ટ મેળવીને
ભારત આવ્યો હતો. પરંતુ, તે
ઇમીગ્રેશનની તપાસમાં ઝડપાઇ ગયો હતો. આ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.