અમીરગઢ નજીક બસનો અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત, પતરાં ચીરી મૃતદેહો બહાર કાઢ્યા
Amirgadh Road Accident: ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરે આવેલા અમીરગઢ તાલુકા ખુણીયા ગામ નજીક એસ.ટી બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઇજા પામી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પતરા ચીરીને લાશો બહાર કાઢી હતી. આ અકસ્માતમાં હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલા ખુણીયા ગામ નજીક ગુરૂવારે રાજસ્થાન પરિવહનની બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરોને ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બસ અને બોલેરો કાર વચ્ચે એટલી ભયાનક ટક્કર સર્જાઇ હતી કે લાશોને બહાર કાઢવા માટે પતરાં ચીરવા પડ્યા હતા અને જે.સી.બી.ની મદદ પણ લેવી પડી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.