અમદાવાદમાં રૂંવાડા ઊભા કરી દેતી ઘટના, 18 લાખ પડાવી લેવા મિત્રની હત્યા કરી, દારુ પીવડાવી કેનાલમાં ફેંકી દીધો
Ahmedabad Crime News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો અને વાહન લે-વેચની કામગીરી કરતો યુવક છ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો હતો. જેને લઈને ક્રાઇમબ્રાંચે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ યુવકની તેના જ બે નજીકના મિત્રોએ બેન્ક એકાઉન્ટમાં ધંધાકીય વ્યવહારના જમા થયેલા 18 લાખ રૂપિયા મેળવવા માટે તેને દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે હત્યા કરનાર મિત્રો ૧૮ લાખની રકમ ટ્રાન્સફર કરી શક્યા નહોતા. ક્રાઇમબ્રાંચે નિકોલમાં રહેતા બે યુવકોની ધરપકડ કરીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
શહેરના નિકોલમાં રહેતો 27 વર્ષીય જયેશ વણઝારા વાહન લે-વેંચનો વ્યવસાય કરે છે. તેના બેન્ક એકાઉન્ટમાં કોઈ ધંધાકીય વ્યવહાર અનુસંધાનમાં 18 લાખ રૂપિયા જમા થયા હતા. 9મી ફેબ્રુઆરીના રોજ સાંજ સાત વાગ્યાના સુમારે તે થોડીવારમાં આવુ છુ તેમ કહીને ગયા બાદ પરત આવ્યો નહોતો અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેના પિતા સરદારભાઇએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી પટેલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા માહિતી મળી હતી કે જયેશ લાપત્તા થયો તે કેસમાં તેના નજીકના બે મિત્રો સચીન પંચાલ અને વિવેક ખત્રીની સંડોવણી છે.
આ પણ વાંચો: ડોલર સામે રુપિયો નબળો થતાં વિદેશ પ્રવાસ મોંઘા, અમેરિકા માટે 20 હજાર વધુ ખર્ચવા પડશે
ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીને આધારે સચીન અને વિવેકની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે જયેશના બેન્ક એકાઉન્ટમાં 18 લાખ રૂપિયા હોવાની જાણ બંનેને હતી અને ખાસ મિત્રો હોવાથી મોબાઈલ બેંકિંગ અને ગુગલ પેનો પાસવર્ડ જાણતા હતા. જેથી નાણાં લેવા માટે બંનેએ એક યોજના બનાવી હતી. 9મી તારીખે જયેશના દારૂ પીવા માટે રાયપુર કેનાલ પાસે બોલાવ્યો હતો. જ્યાં સાયફન પાસે દારૂના ગ્લાસમાં દવા મીક્સ કરીને પીવડાવતા જયેશ બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન સાડા 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ જયેશને કેનાલમાં ધક્કો મારીને તેની બાઇકને રસ્તામાં જ મુકીને ત્યાંથી નાસી ગયા હતા.