મોરબીમાં પ્રેમ સંબંધના મામલે યુવાનનું અપહરણ કરી બેફામ માર મારી હત્યા
ઇન્દિરાનગર ખારાપટમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે ઉઠાવી ગયા : યુવતીના પરિવારના સભ્યો સહિત 11 શખ્સો સામે ગુનો દર્જ
મોરબી, : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાંથી ગતરાત્રિના પ્રેમ સંબંધમાં યુવાનનું રીક્ષામાં બેસાડી અપહરણ કર્યા બાદ હથિયારોથી માથાના અને હાથ પગમાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. બનાવ મામલે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરસોતમભાઈ માનેવાડિયાએ આરોપીઓ પ્રવિણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી, હકાભાઈ અદગામા ઘુંટુવાળા, કાના હકાભાઈ, જયેશ જીવણ અદગામા, સુનિલ જયંતિ જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરીયો રબારી અને એક અજાણ્યો ઇસમ એમ 11 ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેઓ ગતરાત્રિના ત્રાજપરમાં માતાજીના મઢે ગયા હતા અને તાવા પ્રસાદી બનાવતા હતાં. ત્યારે ત્રાજપરમાં રહેતા રાહુલ મહેશ જંજવાડિયાએ આવી વાત કરી હતી કે તે તથા ગોગો સાતોલા અને નાનો ભાઈ વિજય ઉર્ફે રવિ પરસોતમભાઈ માનેવાડિયા ત્રણેય ઇન્દિરાનગર ખારા પટમાં બેઠા હતા ત્યારે પ્રવિણ, વિશાલ કોળી અને જયેશ સહિતના આવી વિજય સાથે ઝગડો કરવા લાગ્યા હતા અને વિજય ઉર્ફે રવિને ખેંચીને માળિયા ફાટક તરફ લઇ ગયા હોવાનું જણાવ્યું હતું.
જેથી તેઓ વિજયની તપાસ કરવા નીકળ્યા હતા.નાના ભાઈ વિજય ઉર્ફે રવિને બે ત્રણ વર્ષ પૂર્વે ત્રાજપરમાં રહેતા ડાયાભાઇ અદગામાની દીકરી શીતલ સાથે પ્રેમસંબંધ હોય જેની પરિવારને જાણ થતા અગાઉ સામાન્ય બોલાચાલી થઇ હતી અને તે બાબતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ભાઈનું અપહરણ કરી લઇ ગયાની શંકા જતા ઘૂટું ગામે તપાસ કરવા ગયા હતા પરંતુ કોઈ પત્તો લાગ્યો ના હતો અને રંગપર બેલા રોડ પર પેટ્રોલ પંપ પાસે નાનો ભાઈ વિજય ઉર્ફે રવિ લોહી લુહાણ હાલતમાં પડયો હતો જેને જણાવ્યું હતું કે ઇન્દિરાનગરથી રીક્ષામાં બેસાડી બાવળની કાંટમાં લઇ જઈને પ્રેમ સંબંધ મામલે ધોકા વડે આડેધડ માર માર્યો હતો ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં મોત થયું હતું. આમ પ્રેમસંબંધના ખારમાં 11 ઇસમોએ અલગ અલગ વાહનોમાં ધોકા સાથે આવી રીક્ષામાં વિજયનું અપહરણ કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે