વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટમાં ધો.9ની વિદ્યાર્થિની પર 11માં ધોરણના વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું
Rajkot Crime News: રાજકોટમાં વેલેન્ટાઈન ડે (14મી ફેબ્રુઆરી)ના દિવસે ધોરણ 11માં ભણતા છાત્રએ ધોરણ 9માં ભણતી તરૂણીનું કારમાં અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી બે સગીર આરોપીની ધરપકડ કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
વાલીઓ માટે લાલબત્તીરૂપ અને ચિંતા જગાવનાર આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર તરૂણી કે જેની ઉંમર 15 વર્ષ આસપાસ છે. તે ધોરણ 9માં અભ્યાસ કરે છે. 12મી ફેબ્રુઆરીનાં રોજ તે તેની પાંચ વર્ષની નાની બહેનને લઇને ઘર નજીક આવેલા બગીચામાં ગઈ હતી. ત્યારે ત્યાં આવેલા ધોરણ 11ના આરોપી છાત્ર સાથે આંખ મળી હતી. જેથી આરોપી છાત્રએ તેની પાસેથી સ્નેપ આઈડી માંગી હતી. પરંતુ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી ન હોવાથી આપી ન હતી.
ત્યારબાદ 13મી ફેબ્રુઆરી રોજ ફરીથી તરૂણી તેની નાની બહેનને લઈ તે જ બગીચામાં ગઈ હતી. તે વખતે ફરીથી ત્યાં આરોપી છાત્ર ત્યાં આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે વાતચીત દરમિયાન તરૂણીએ તેને બીજા દિવસે એટલે કે 14મી ફેબ્રુઆરીના રોજ એક પ્રસંગને કારણે બહેનપણીના ઘરે મહેંદી મૂકાવવા જશે તેમ કહ્યું હતું. વેલેન્ટાઈન ડે (14મી ફેબ્રુઆરી)ના રોજ બપોરે તરૂણીને મહેંદી મૂકાવવા માટે તેના પિતા બાઈક પર બહેનપણીના ઘરે મૂકી ગયા હતા.
તરૂણી મહેંદી મૂકાવી બહેનપણીના ઘરેથી બહાર નીકળી જોયું તો આરોપી છાત્ર ત્યાં વર્ના કાર લઈ ઊભો હતો. તેણે તરૂણીને પોતાની કારમાં બેસી જવાનું કહ્યું હતું. પરંતુ તરૂણીએ માતા-પિતા રાહ જોઈ રહ્યા છે તેમ કહી કારમાં બેસવાનો ઈનકાર કર્યો હતો. તે સાથે જ આરોપી છાત્રની કારની પાછળની સીટમાં બેઠેલા તેના બે મિત્રોએ તરૂણીને એવી ધમકી આપી હતી કે તેના અફેયર વિશે તેને બદનામ કરી નાખશે. જેને કારણે તરૂણી કારમાં બેસી ગઈ હતી. આરોપી છાત્ર તેને આલાપ ગ્રીન સિટી પાછળ આવેલા નાયરાના પેટ્રોલ પંપ નજીક લઈ ગયો હતો. જ્યાં તેણે કારમાં બેઠેલા બે મિત્રોને નાસ્તો લઇ આવવાના બહાને બહાર મોકલી દીધા બાદ તરૂણી ઉપર કારની પાછળની સીટમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
તરૂણી સમયસર ઘરે નહીં પહોંચતા તેના વાલીઓએ શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે તરૂણી મળી આવી હતી ત્યારે સત્ય હકીકતો જણાવતાં તેના વાલીઓએ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકમાં તરૂણીની માતાએ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી છાત્ર અને તેના મિત્રની અટકાયત કરી ત્રીજા મિત્રની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓ સગીર છે.