સફેદ રણ પાસે કાર હવામાં ઉછળીને ખાડામાં પડી, બાળકીનું મોત, માતા-પુત્ર ઘાયલ
Accident Near Dhordo : બુધવારે સવારે ભુજથી ધોરડો જઇ રહેલા અમદાવાદના પરિવારની કાર વેકરીયા રણ નજીક ઓવર સ્પીડને કારણે ઉછળીને હવામાં ફંગોળાઇ ખાડામાં પડી હતી. કારમાં સવાર 8 વર્ષની માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા પુત્રને ઇજાઓ પહોંચી હતી. દિકરીને ગુમાવનારા પિતા સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજ ફરવા આવેલા જુનાગઢના પરિવારને ધોરડો જતી વખતે નડ્યો અકસ્માત
મુળ જુનાગઢ જિલ્લાના અને હાલ અમદાવાદ સરદારનગરમાં રહેતા અને પ્રિન્ટીંગ પ્રેસનું કામ કરતા મહેન્દ્રભાઇ મનસુખભાઇ કોડાવાલા (ઉ.વ.33) તેમની પત્ની ગાયત્રીબેન અને પુત્ર ધુર્મિલ, પુત્રી ઉર્વી સાથે બે દિવસ કચ્છના પ્રવાસે કારથી આવ્યા હતા. માંડવી, માતાનામઢ, કોટેશ્વર સહિતના સ્થળોએ પ્રવાસ કર્યા બાદ બુધવારે સવારે ખાવડા કાળો ડુંગર, ધોરડો થઇને રાપરથી પરત અમદાવાદ જવા ભુજથી કારમાં નીકળ્યા હતા.
લોરીયા ચેકપોસ્ટથી આગળ ચાંદ ફાર્મ પહેલા વેકરીયાના રણ વિસ્તાર પાસે ઓવર સ્પીડને કારણે ખાડામાં કાર ઉછળતાં ગડથોલીયા મારી ગઇ હતી. કારમાં સવાર મહેન્દ્રભાઇની આઠ વર્ષની પુત્રી ઉર્વીનું માથા અને ગળાના ભાગે ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક મહેન્દ્રભાઈના પત્ની ગાયત્રીબેન (ઉ.વ.33) અને પુત્ર ધૂર્મિલ (ઉ.વ.5)ને સામાન્યથી વધુ ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. માધાપર પોલીસે અકસ્માતમાં પુત્રીને ગુમાવનાર કાર ચાલક મહેન્દ્રભાઇ કોડાવાલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.