માસિક 10 થી 15 ટકા વળતરની લાલચ આપી 31 લાખની ઠગાઇ
મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી ધરાવતા શખ્સ સામે ફરિયાદ : શરૂઆતમાં બે માસ સુધી આરોપીએ રોકાણકારોને વળતરની રકમ ચૂકવ્યા બાદ હાથ ઊંચા કરી દીધા
રાજકોટ, : મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી ખોલી રોકાણકારોને માસિક 10 થી 15 ટકા વળતરની લાલચ આપી નિરવ મહેશભાઈ મહેતાએ રૂા. 31 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં કુલ સાત રોકાણકારો ભોગ બન્યાનું જણાવાયું છે.પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
ફર્નિચરનો વેપાર કરતાં રાકેશભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.વ. 37, રહે. 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, ઓસ્કાર સ્કાય પાર્ક)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સવા વર્ષ પહેલા મિત્ર મોહીતભાઈ વસાણીએ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીમાં રોકાણ કર્યું હતું. જેમાં તેને સારૂં વળતર મળતું હતું. તેને પણ રોકાણ કરવું હોવાથી મોહીતભાઈને પૂછતાં કહ્યું કે માસિક 10 થી 15 ટકા જેટલું વળતર મળે છે. જેથી આરોપીની અયોધ્યા ચોક પાસે રનવે હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં ગયા હતા. તે વખતે આરોપીએ પણ માસિક 10 થી 15 ટકા વળતરની વાત કરતાં તેની પેઢીમાં પત્ની પૂજાબેન અને પોતાના નામે રૂા. 8.50 લાખનું રોકાણ કર્યું હતું. જેની સિક્યોરિટી પેટે આરોપીએ બે ચેક આપ્યા હતાં. બે મહિના સુધી આરોપીએ માસિક 10 થી 15 ટકા જેવું વળતર આપ્યું હતું.
ત્યાર પછી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. પરિણામે મૂળ રકમ પરત માગતા આરોપીએ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં એવું પણ કહ્યું હતું કે હવે મારી પાસે રૂપિયા માગવા આવ્યા તો તમારા નામ લખીને દવા પી જઇશ. જેને કારણે ડર લાગતા શરૂઆતમાં કોઇને વાત કરી ન હતી.
પાછળથી ખબર પડી હતી ક ે આરોપીને ત્યાં જિજ્ઞોશ રમણીકભાઈ ચૌહાણે કુલ રૂા. 7.50 લાખનું, સંજયભાઈ હરગોવિંદભાઈ પંડયાએ પત્ની જિજ્ઞાાસાબેનના નામે રૂા. 2 લાખનું, મિલિન્દ હસમુખભાઈ માંડલિયાએ પણ રૂા. 2 લાખનું, હેમલ અનિલભાઈ ઘોડાસરાએ પણ રૂા. 2 લાખનું, નિલેશ સુંદરદાસ તલરેજાએ રૂા. 8 લાખનું અને ગુરમુખભાઈ ઉર્ફે મનોજભાઈ વાટુમલભાઈ ચીમનાણીએ રૂા. 1 લાખનું રોકાણ કર્યું હતું. આ રીતે તમામ રોકાણકારોને શરૂઆતના બે માસ સુધી વળતર આપી બાદમાં મૂળ રકમ કે વળતર ચૂકવ્યા વગર ઓફિસ બંધ કરી આરોપી જતો રહ્યો હતો. જેથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.