17 વર્ષની દુષ્કર્મ પીડિતાએ પોર ગામમાં ઝાડ પર ફાંસો ખાધો
- દાહોદ કોર્ટમાં ગયા બાદ ઉદાસ રહેતી હતી
- માર્ચ-૨૦૨૩ના દુષ્કર્મના કેસમાં શું થશે તે અંગે ચિંતામાં ઘરમાં કોઇની સાથે વાત કરતી ન હતી
આ અંગેની વિગત એવી છે કે દાહોદ નજીકના એક ગામમાં રહેતા પરિવારના સભ્યો પોર ગામે આવ્યા હતાં અને તેઓ પંચાયત દ્વારા સોંપાતા કામો કરતાં હતા તેમજ પોર બસ સ્ટેન્ડની પાછળના ભાગે પંચાયતની જગ્યાના આંબાવાડિયામાં ઝૂંપડા બનાવીને રહેતા હતાં. માર્ચ -૨૦૨૩માં વતનમાં લગ્ન હોવાથી પરિવારના સભ્યો પોતાના ગામ ગયા હતાં ત્યારે તા.૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ રાત્રે ૧૭ વર્ષની સગીરા પર કુંટુંબી કાકા બાબુ રતનભાઇ સંગાડાએ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ અંગેનો કેસ દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં પોલીસે બાબુ સંગાડાની ધરપકડ કરી હતી જે હાલ જેલમાં છે. દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર પરિવાર પોર આવી ગયો હતો. દરમિયાન દુષ્કર્મનો કેસ દાહોદની કોર્ટમાં ચાલતો હોવાથી કેસની તારીખ દરમિયાન સગીરા બે વખત અગાઉ કોર્ટમાં ગઇ હતી. તા.૧૯ના રોજ પણ કોર્ટમાં તારીખ હોવાથી સગીરા કેસમાં હાજરી આપવા ગઇ હતી અને તે પરત ફરી ત્યારથી ચિંતામાં રહેતી હતી. તેનો ચહેરો પણ ઉદાસ રહેતો હતો અને ઘરના સભ્યો સાથે કોઇ વાત ના કરે તેમજ શાંત બેસી રહેતી હતી. તેને કોર્ટમાં જવાનું થયું હોવાથી મનમાં લાગી આવ્યું હતું અને તા.૨૪ની રાત્રે ઘરના સભ્યો ઊંઘી ગયા ત્યારે તેણે આંબાના ઝાડ પર પ્લાસ્ટિકની સફેદ પટ્ટીવાળી દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. સવારે સગીરાના પિતાને ઝૂંપડામાં પુત્રી જણાઇ ન હતી તેમજ શોધખોળ દરમિયાન આંબા પર તેની લાશ લટકતી જોવા મળી હતી. આ બનાવની જાણ થતાં વરણામા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.