Get The App

પછી ન્યાય કેવી રીતે મળે...? સુરત કોર્ટમાં 7 મહિનામાં 15 ફાઈલો ગુમ, હકીકત જાણી ગુજરાત હાઈકોર્ટ ચોંકી

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
પછી ન્યાય કેવી રીતે મળે...? સુરત કોર્ટમાં 7 મહિનામાં 15 ફાઈલો ગુમ, હકીકત જાણી ગુજરાત હાઈકોર્ટ ચોંકી 1 - image


Gujarat High Court: ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઈલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. તેમણે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, 'ન્યાયની વહીવટી પ્રક્રિયા યોગ્ય અને ન્યાયી રીતે હાથ ધરાય તે જરૂરી છે અને આ માટે પારદર્શિતા, યોગ્યતા અને જવાબદારી જળવાવી જોઈએ.' હાઇકોર્ટે એક કેસમાં રાધનપુરના કેસની ફાઇલ ગુમ થવાના પ્રકરણમાં આ હુકમ કર્યો હતો. જો કે, અન્ય એક કિસ્સામાં સુરત કોર્ટમાંથી સાત મહિનામાં 15 ફાઇલ ગુમ થવાની હકીકત ધ્યાન પર આવતાં હાઇકોર્ટ ચોંકી ઊઠી હતી. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. 

હાઈકોર્ટ રજિસ્ટ્રી સામે ગંભીર સવાલો ઊઠાવ્યા

બીજીબાજુ, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ દ્વારા રજિસ્ટ્રાર એ.ટી.ઉકરાણીને લઇને કરાયેલા ટીકાત્મક અવલોકનો બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પણ સામે આવ્યા હતા. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર બદલી કાઢવામાં આવ્યું હતું અને તેમને તેમનાથી સિનિયર જજ ઈલેશ જે.વોરાની સાથે ખંડપીઠમાં મૂકવામાં આવ્યા હતા. 

ગુજરાત ન્યાયતંત્રમાં ખાસ કરીને વહીવટી પાંખમાં ભારે ચકચાર જગાવનાર આ વિવાદ રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણી સાથે સંક્ળાયેલો છે કે જેમણે વર્ષ 2019માં તેમની બદલી પછી પણ સાત મહિના સુધી સુરત કોર્ટમાં 15 કેસની ફાઇલો ફીઝીકલી પરત કરી ન હતી. જો કે, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ઓર્ડરમાં તેમનું નામ લેવાનું ટાળ્યું હતું.

જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે જણાવ્યું હતું કે, 'રજિસ્ટ્રીના સંબંધિત અધિકારી દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીના પ્રયાસના કારણે આ ગંભીર મુદ્દો કે જેમાં સાત મહિનામાં 15 ફાઇલો ગુમ થઇ હતી, તેમાં કાર્યવાહીમાં પરિણમી શકી નથી. કદાચ જો આ મુદ્દો કે આવી ઘટના જાહેરમાં આવે તો આ મહાન સંસ્થા(ગુજરાત હાઇકોર્ટ)ની બદનામી થવાની આશંકાના કારણે શાંત થયો હતો. જો કે, રજિસ્ટ્રીમાં આવા અધિકારીની નિમણૂંક હાઇકોર્ટના અન્ય કર્મચારીઓ તેમ જ રાજ્યના અન્ય ન્યાયિક અધિકારીઓને ખોટા સંકેતો મોકલી રહી છે.આ સંદર્ભમાં એ નોંધવું પણ જરૂરી છે કે, હાઈકોર્ટ અન્ય ન્યાયિક અધિકારી સામે રેકોર્ડ કે પરિસરમાં ફાઈલો લેવાના આરોપો સબબ એફઆઇઆર દાખલ કરીને કાર્યવાહી કરાઈ રહી છે.'

આ પણ વાંચો: અમદાવાદમાં રૂંવાડા ઊભા કરી દેતી ઘટના, 18 લાખ પડાવી લેવા મિત્રની હત્યા કરી, દારુ પીવડાવી કેનાલમાં ફેંકી દીધો


આ સમગ્ર મામલામાં અગાઉ હાઇકોર્ટે રજિસ્ટ્રાર જનરલ, રજિસ્ટ્રાર(જયુડીશીયલ) અને રજિસ્ટ્રાર(એડમીનીસ્ટ્રેશન) પાસેથી અહેવાલ મંગાવ્યો હતો. જેમાં રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી રહેલા આ અધિકારીની વિવાદીત ભૂમિકા હાઇકોર્ટના ધ્યાન પર આવી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ વ્યકિત વિવાદનો વિષય રહ્યો છે અને તેના કારણે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓમાં પણ ગેરસમજ ઊભી થઈ છે. 

વધુમાં હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા ન્યાયિક આદેશોનું પાલન કરવામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવાની પણ તેમણે હિંમત બતાવી છે. આ વ્યકિત છેલ્લા 6 વર્ષથી રજિસ્ટ્રીમાં કાર્યરત છે કારણ કે, તે વર્ચસ્વવાળી વ્યકિત છે. 

જો કે, હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસમાં એક જ ફાઇલ ફાઇલ ખોવાઇ જવાની વાત છે,પરંતુ બીજા અધિકારી એટલે કે, સંબંધિત રજિસ્ટ્રાર સાથે જાડાયેલી ઘટના ધ્યાને લેતાં સાત મહિનામાં 15 ફાઈલો ગુમ થઇ હતી અને તે અધિકારી છેલ્લા 6 વર્ષથી રજિસ્ટ્રી(એડમીનીસ્ટ્રેશન) સાઇડની પોસ્ટ પર નિયુક્ત છે. ત્યારે કોર્ટ રેકોર્ડમાંથી ઉદ્‌ભવતા આવા સ્પષ્ટ તથ્યો સામે અદાલત આંખો બંધ કરી શકે નહી. જે નિર્વિવાદપણે હાઈકોર્ટના અંતરાત્માને ખલેલ પહોંચાડે છે.

કેવી રીતે ફાઇલ ગુમ થવાનો મામલો સામે આવ્યો

જયશ્રી બેન જોશી નામની 71 વર્ષીય મહિલા દ્વારા હાઈકોર્ટમાં રિટ અરજી કરાઈ હતી. જેમાં તેના કેસના ટ્રાયલકોર્ટના રેકોર્ડ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઈ હતી. વર્ષ 2010માં તેમણે રાધનપુર કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. જો કે, જોશીના કેસના કાગળો મળી આવ્યા અને કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ ડિસેમ્બર 2024માં હાઈકોર્ટે આ પ્રકારે ન્યાયતંત્રમાંથી ફાઈલો ગુમ થવાના મામલાને ગંભીર ગણી રજિસ્ટ્રી પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. 

કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટને બહુ ગંભીર હકકીત જાણવા મળી હતી કે, સંબંધિત એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, સુરત દ્વારા 15 ફાઇલો ગુમ થઇ હતી અને તે એડિશનલ ડિસ્ટ્રીકટ્‌ જજ અને હાલના હાઇકોર્ટના રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણી હતા. જો કે, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ઓર્ડરમાં તેમનું નામ લેવાનું ટાળ્યું હતું. જેમની બદલી સુરત ખાતેથી બાદમાં હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં થઈ હતી. જસ્ટિસ ભટ્ટે આ મામલો ચીફ જસ્ટિસને સોપ્યો હતો. 13મી ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ ભટ્ટને જણાવાયું કે, 'ચીફ જસ્ટિસે વહીવટી બાજુએ અભિપ્રાય આપ્યો છે કે, સંબંધિત સમયે યોગ્ય પગલાં લેવાયા હોવાથી મુદ્દાઓ ફરીથી ખોલવાનું કોઇ કારણ નથી.'

પછી ન્યાય કેવી રીતે મળે...? સુરત કોર્ટમાં 7 મહિનામાં 15 ફાઈલો ગુમ, હકીકત જાણી ગુજરાત હાઈકોર્ટ ચોંકી 2 - image




Google NewsGoogle News