'હું ભાગી નથી રહ્યો, મને ધમકીઓ મળી રહી છે, ડરેલો છું...', વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ કરી પોસ્ટ
Ranveer Allahbadia Post : કોમેડિયન સમય રૈનાના શૉ 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'માં માતા-પિતાને લઈને બીભત્સ ટિપ્પણી કરવાને લઈને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં મુકાયો છે. રણવીરની વિવાદિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને તેની ટીકા અને ટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ મામલો ઈન્ટરનેટથી સંસદ સુધી પહોંચ્યો હતો. જેમાં જનતાની સાથે-સાથે નેતાઓ, સેલેબ્સ અને હિંદુ સંગઠનોએ પણ રણવીરની ટીકા કરી. આ સાથે રણવીર વિરૂદ્ધમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મુંબઈ પોલીસના અધિકારીએ શું કહ્યું?
રણવીર અલ્હાબાદિયા પર નોંધાયેલા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે રણવીરની સાથે-સાથે કોમેડિયન સમય રૈના, યુટ્યુબર આશીષ ચંચલાની અને ઈફ્યુએન્સર અપૂર્વા મખીઆ સહિત 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' શૉની ટીમ પર પણ કેસ નોંધાયા છે. જેમાં તમામને એક પછી એક મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવામાં આવી રહ્યા છે. 14 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, 'હજુ સુધી રણવીરે તેનું સ્ટેટમેન્ટ આપ્યું નથી અને તેનાથી કોન્ટેક્ટ પણ થઈ રહ્યો નથી. યુટ્યુબરના મુંબઈ સ્થિત ઘરે તાળા લાગેલા છે અને તેનો ફોન પણ લાગી રહ્યો નથી. જ્યારે તેના વકીલ સાથે પણ વાત થઈ શકી નથી.'
રણવીરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી
રણવીરના ગાયબ થયા પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. જેમાં તેને લખ્યું છે કે, 'હું અને મારી ટીમ તપાસમાં પોલીસ અને અન્ય અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. હું પ્રક્રિયાનું પાલન કરીશ અને હવે એજન્સી માટે ઉપલબ્ધ રહીશ. માતાપિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. વધુ સારું બનવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે.'
હું ભાગી નથી રહ્યો...
રણવીરને અને તેના પરિવાર થતી મુશ્કેલીને લઈને તેણે જણાવ્યું કે, 'મને જાનથી મારી નાખવાની ધમકીઓ આવી રહી છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાને લઈને ધમકીઓ આવી રહી છે. જેમાં લોકો દર્દીનું નાટક કરીને મારી માતાના ક્લિનિકમાં આવી પહોંચે છે. હું ડરની હાલતમાં છું અને મને નથી ખબર કે શું કરવું જોઈએ. પરંતુ હું ભાગી નથી રહ્યો. મને પોલીસ અને ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે.'
આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટથી ઝટકો, FIR વિરુદ્ધ વહેલી સુનાવણીની અરજી ફગાવાઈ
તમને જણાવી દઈએ કે, રણવીરે 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' શૉના એક એપિસોડમાં માતા-પિતાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે સમગ્ર મામલે રણવીરે સોશિયલ મીડિયામાં માફી માંગી હતી. તેવામાં કોમેડિયન સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' ના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. તેમણે તપાસમાં સહયોગ કરવાનું વચન આપ્યું છે.